- બે કેદીની વચગાળાની જામીન અરજીમાં ડૉક્ટરે આપેલા સર્ટી. નકલી નીકળ્યા
- માત્ર એમબીબીએસ તબીબે સર્જરી માટેની ભલામણ સાથે સર્ટિફિકેટ આપેલા
- ડોક્ટર સામે કડક વલણ અપનાવતા પોલીસ તપાસના આદેશ કર્યા છે
જેલમાં બંધ બે કેદીઓએ આરોગ્યના મુદ્દા પર વચગાળાના જામીન માટે કરેલી અરજીમાં બોગસ મેડિકલ સર્ટીફ્કિેટ કાઢી આપવાના કેસમાં હાઈકોર્ટે શંકાસ્પદ ડોક્ટર સામે કડક વલણ અપનાવતા પોલીસ તપાસના આદેશ કર્યા છે. કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ધ્યાન પર આવેલુ કે મેડિકલ સર્ટીફ્કિેટ કાઢી આપનારે માત્ર એમબીબીએસ કરેલુ છે, જેની પાસે સર્જરી કરવા માટેના મેડિકલ સર્ટીફ્કિેટ કાઢી આપવાની કોઈ લાયકાત જ નથી. જો કે, તેમ છતાં તેણે વિવિધ હોસ્પિટલના નામનો ઉપયોગ કરીને આ પ્રકારના મેડિકલ સર્ટિફ્કિેટ ઈસ્યુ કર્યા છે.
હાઈકોર્ટે એ પણ ટકોર કરેલી કે ડોક્ટર દ્વારા અલગ અલગ હોસ્પિટલના નામે અલગ અલગ સરનામા સાથે બોગસ મેડિકલ સર્ટિફ્કિેટ જારી કરાયેલા છે. સુરત પોલીસ કમિશનરને નિર્દેશ છે કે, તેમની નજર હેઠળ સંબંધિત અધિકારી પાસે આ કેસની તપાસ કરાવવામાં આવે. જેથી, સત્ય હકીકતો બહાર આવે.
સુનાવણી સમયે, હાઈકોર્ટે અરજદારના વકીલની પણ ઝાટકણી કાઢેલી કે, તમે કેમ તમામ બાબતોની ચકાસણી કરી નથી. હાઈકોર્ટના કડક વલણ બાદ, વકીલે આ અરજી પરત ખેંચવાની માગ કરેલી. જો કે, હાઈકોર્ટે આ માગને ફ્ગાવી દીધી હતી. હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને નિર્દેશ આપ્યો છે કે, તેમની દેખરેખ હેઠળ આ કેસની તપાસ હાથ ધરવામાં આવે. આ કેસની વધુ સુનાવણી 8 જૂને હાથ ધરાશે.
કેસની વિગત જોઈએ તો, બે કેદીઓએ વચગાળાના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરેલી. આ સમયે, હાઈકોર્ટના ધ્યાને આવેલુ કે ડો. એમ. એલ. પટેલ દ્વારા ડ્રીમ્ઝ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ અને શ્રી હરિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે બે અલગ અલગ મેડિકલ સર્ટિફ્કિેટ ઈસ્યુ કરાયેલા. જેમાં, ડોક્ટરના સહી-સિક્કા છે. ડો. પાસે એમબીબીએસ અને યુકેની એમઆરએસએમ ( મેમ્બર ઓફ્ ધ રોયલ સોસાયટી ઓફ્ મેડિસિન)ની ડિગ્રી રહેલી છે. જો કે, 22 મેના રોજ ટ્રાયલ કોર્ટે તેના હુકમમાં નોંધેલુ કે ડોક્ટર દ્વારા અપાયેલા મેડિકલ સર્ટિફ્કિેટ, તેની એમબીબીએસ અને યુકેની એમઆરએસએમની ડિગ્રી શંકા ઉપજાવે છે. જેની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધેલી. ભૂતકાળમાં ટ્રાયલ કોર્ટ તેના હુકમમાં એ પણ નોંધેલુ કે એમઆરએસએમ એ કોઈ ડિગ્રી નથીઅને ડોક્ટર પાસે આ સંસ્થાનુ સભ્યપદ હોવુ જરૂરી છે.