- ટ્રાફિકના નિયમો બોપલની હદ શરૂ થયા પહેલાં જ પૂરા થઈ જાય છે
- પોલીસ પાસે સ્ટાફ નથી કે ઈચ્છાશક્તિ નથી?, પ્રજા પીડાઈ રહી છે
- બોપલ- ઘુમાની હદ શરૂ થાય તે પહેલા ટ્રાફિકના તમામ નિયમો પુરા થઈ જાય છે
બોપલ- ઘુમા હવે મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર હોવા છતાં ત્યાં પોલીસ તંત્ર વાહનચાલકોના તાબે થઈ ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. બોપલ- ઘુમાની હદ શરૂ થાય તે પહેલા ટ્રાફિકના તમામ નિયમો પુરા થઈ જાય છે. બોપલ-ઘુમામાં અસંખ્ય કાર એવી છે જે બ્લેક ફિલ્મ લગાડીને ફરે છે. એટલું જ નહીં અનેક કારમાં નંબર પ્લેટ જ નથી હોતી. અથવા તો નંબર પ્લેટ હોય છે તો તેમાં નંબર લખેલા નથી હોતા. વળી કેટલીક કારની નંબર પ્લેટમાં નંબરના બદલે અવનવા લખાણ લખેલા હોય છે. આવી જ સ્થિતિ બાઈક્સમાં પણ છે. અનેક બાઈક્સમાં નંબર પ્લેટમાં નંબરના બદલે દેવી- દેવતાઓના નામ લખેલા હોય છે. આવા વાહનચાલકો બેફીકરાઈથી વાહન ચલાવીને સામાન્ય જનતાનો જીવ જોખમમાં મુકી રહ્યાં છે. વળી તેમના વાહનો પર નંબર જ ન હોવાથી ફરિયાદ નોંધાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે આખા બોપલ- ઘુમામાં કોઈ ચાર રસ્તે કે મુખ્ય માર્ગ પર કદી એકપણ પોલીસમેન હોતા નથી. જેના કારણે કોઈ નાગરિકને તકલીફ પડે તો તેમને કોઈ પ્રકારની તાત્કાલિક મદદ મળી શકતી નથી. આમ, એક તરફ અમદાવાદ શહેરમાં પોલીસનો જરૂર કરતાં વધુ ત્રાસ વર્તાય છે અને બીજી બાજુ એ જ અમદાવાદના ભાગ ગણાતા બોપલ-ઘુમા પોલીસના મામલે રામભરોસે છે.