- અમે દુબઈથી આવ્યા છે, અહીંની કરન્સી બતાવો’ કહી હિપ્નોટાઇઝ કરે છે
- વેપારી હસતાં હસતાં પૈસા આપી દે છે, એક વેપારીએ તો 23 હજાર આપી પણ દીધા
- મણિપુર વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠગ દંપતી ફરી રહ્યું છે
બોપલ, ઘુમા અને મણિપુર વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠગ દંપતી ફરી રહ્યું છે. આ દંપતી અલગ અલગ દુકાનોમાં જઈને ‘અમે દુબઈથી આવ્યા છીએ, અમે 500 – બે હજારની નોટ જોઇ નથી, તમે અમને બતાવો’ તેમ કહીને હિપ્નોટાઇઝ કરીને પૈસા પડાવી લેતું હોવાનું સામે આવ્યું છે. ઠગ દંપતીએ ઘુમામાં એક વેપારીને હિપ્નોટાઇઝ કર્યું હતું ત્યારબાદ આ વેપારી સાથે હસતાં હસતાં વાતો કરીને 23 હજારથી વધુ રૂપિયા તેમના પાકીટમાંથી કાઢી લીધા હતા. આ અંગે દુકાન માલિકે બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા દંપતી અને એક બાળકી સામે લેખિતમાં ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.
ઘુમામાં રહેતા અશોક બલદેવ મણિપુર ખાતે ભોલે નમકીન એન્ડ આઇસ્ક્રીમ પાર્લરના નામથી દુકાન ધરાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અશોકભાઇ સાથે બે દિવસ પહેલાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. અશોકભાઇ જ્યારે પોતાના સ્ટોર પર હાજર હતા ત્યારે બ્લેક કલરની કાર લઇને એક દંપતી તેમની બાળકી સાથે દુકાને આવ્યું હતું. દંપતીએ દુકાનના ફ્રિજમાંથી એક છાશ અને કોલ્ડડ્રિન્કની બોટલ કાઢી હતી. બાદમાં શખ્સે તે બંને વસ્તુના પૈસા અશોકભાઇને આપી દીધા હતા. બાદમાં શખ્સે અશોકભાઇને કહ્યું કે, અમે દુબઇથી આવ્યા છીએ તમારા ત્યાં દુબઈની કરન્સી ચાલશે મારી બીજી વસ્તુ ખરીદવી છે, તેમ કહીને તેણે પોતાનું પાકીટ બતાવ્યું હતું. બાદમાં અશોકભાઇ એ પાકીટ તરફ જતા તે હિપ્નોટાઇઝ થઇ ગયા હતા. બાદમાં મહિલા અને તેની દીકરી બન્ને દુકાનની બહારની બાજુ નજર રાખી રહ્યા હતા. જ્યારે શખ્સ દુકાનના કાઉન્ટનરની અંદર આવીને અશોકભાઇને દુબઇની કરન્સી બતાવું તેમ કહીને તેમના હાથમાં અજાણી વસ્તુ ટચ કરીને તેમના પાકીટમાં કેટલા પૈસા પડયા છે તે તમે મને બતાવો તેમ કહેતા અશોકભાઇએ પાકીટ ડ્રોઅરમાંથી બહાર કાઢયું હતું. જેમાંથી રૂપિયાના ત્રણ બંડલમાંથી એક બંડલ શખ્સે લઇ લીધું હતું. આ દરમિયાન અશોકભાઇની દુકાનમાં કામ કરતો કર્મી ત્યાં આવી જતા મહિલા અને તેની દીકરી બન્ને પ્લાન મુજબ તેણે દુકાનની બહાર અલગ અલગ વસ્તુઓ બતાવવાનું કહીને વાતો કરી રહ્યા હતા. પરંતુ કર્મીને શંકા થતાં તે દુકાનમાં આવ્યો અને શખ્સને કહ્યું કે, તમે કેમ કાઉન્ટરની અંદર ગયા છો. આથી શખ્સે કાઉન્ટરની બહાર આવીને હું દુકાન માલિકને દુબઈની કરન્સી બતાવતો હતો. ત્યારબાદ દંપતી અને બાળકી ગાડી લઇને ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં કર્મીએ અશોકભાઇને કહ્યું કે, તમારું પાકીટ જુઓ પહેલાં વ્યકિતએ પૈસા તો કાઢી નથી લીધા ને ? આથી અશોકભાઇએ કહ્યું કે, તે વ્યકિતએ મને પાકીટ બતાવ્યું બાદમાં મેં તેને બતાવ્યું હતું. બાદમાં અશોકભાઇએ પાકીટ જોતા 23 હજાર ગાયબ હતા. કર્મીએ અશોકભાઇના પુત્ર તુષારને સમગ્ર ઘટનાની જાણ કરી. તુષારે સીસીટીવી ફૂટેજ તપાસતા દંપતી અને બાળકીની ગતિવિધી શંકાસ્પદ હતી અને તેઓએ પાકીટમાંથી પૈસા કાઢયાનું નજરે પડયું હતું.