- અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
- માવઠું થતા ખેતરોમાં ભરાયા વરસાદી પાણી
- કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
હવામાન વિભાગે કમોસમી વરસાદને લઇ આગાહી કરી છે. રવિવારથી આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ભાવનગર, પાટણ અને બોટાદમાં સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.
વલ્લભીપુરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પાડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગરના વલ્લભીપુર શહેરમાં અચાનક બપોર બાદ વાતાવરણ પલ્ટો આવ્યો હતો. વલ્લભીપુર શહેરમાં પવન સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે. વલ્લભીપુર તાલુકા સહિત પચેગામ, નવાગામ ઢાળ, ચમારડી, રામપુર સહિતના ગામડાઓમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અનેક વિસ્તારોમાં
રોડ પર લગાવેલા હોડિંગ ભારે પવનના કારણે ઉડી ગયા છે.
પાટણ જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
પાટણ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પાટણ જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો છે. પાટણના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ભવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં હારીજ, કુકરાણા, અડીયા, બોરતવાડા,સાપ્રા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે. દિવસ ભરમાં ઉકળાટ બાદ હરિજમાં વરસાદના આગમનને લઈ વાતાવરણમાં ઠંડક પસરી છે.
બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું
બોટાદના બરવાળા પંથકમાં અચાનક વાતાવરણમાં બદલાયું હતું. સમગ્ર પંથકમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાતાં અંધકાર છવાયો હતો. બરવાળા તાલુકાના કુંડળ, બેલા, ટીંબલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. અતિભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. પરંતુ બીજી તરફ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો. કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને કેરીના પાકમાં ભારે નુકસાન થવાની ભીતિં સેવાઇ રહી છે.