- આજે વર્લ્ડ સ્કિઝોફ્રેનિયા ડે : શંકા-વહેમ સાથે દર્દી કાલ્પનિક દુનિયામાં જીવે છે
- દર 300 વ્યક્તિએ એક વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાની બીમારીનો શિકાર
- દર વર્ષે 24મી મે એ વર્લ્ડ સ્કિઝોફ્રેનિયા ડે મનાવવામાં આવે છે
દર વર્ષે 24મી મે એ વર્લ્ડ સ્કિઝોફ્રેનિયા ડે મનાવવામાં આવે છે, વિવિધ માનસિક બીમારીમાંથી સ્કિઝોફ્રેનિયા એ ગંભીર પ્રકારની માનસિક બીમારી છે, અમદાવાદની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં 300 જેટલા દર્દી દાખલ છે, જે પૈકી 50 ટકા દર્દી સ્કિઝોફ્રેનિયાની બીમારીથી પીડાય છે, આ માનસિક બીમારીમાં દર્દી પોતાની કાલ્પનિક દુનિયામાં જીવતાં હોય છે, કોઈ વ્યક્તિ અસ્તિત્ત્વમાં ન હોય છતાં વ્યક્તિ દેખાય, કોઈ કશું ન બોલે તોય તેમને અવાજ સંભળાય, બીજા પર શંકા-કુશંકા કરે, વહેમ રાખે અને આક્ષેપો કરતાં હોય છે, તેમ સાઈક્યાટ્રિક્સનું કહેવું છે. કોરોના પછી એકંદરે માનસિક બીમારીના દર્દીની સંખ્યા વધી છે. અન્ય એક રિપોર્ટ પ્રમાણે 300 વ્યક્તિએ એક વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાની બીમારીનો શિકાર છે.
સરકારી મેન્ટલ હોસ્પિટલના ડોક્ટરના કહેવા પ્રમાણે માનસિક બીમારીમાં શરૂઆતના લક્ષણો દેખાય ત્યારે તાત્કાલિક સારવાર લેવાથી દર્દી ઝડપી સ્વસ્થ બને તેવી પૂરતી શક્યતા રહેલી છે, દવાની સાથે કાઉન્સેલિંગ અત્યંત જરૂરી છે, સામાજિક પુનઃવસનના સ્વરૂપમાં સારવાર જરૂરી છે.
સ્કિઝોફ્રેનિયાની બીમારીમાં ચીડિયાપણું, ચિંતા, બેચેની રહે છે, ક્યારેક દર્દી હિંસક બની જતા હોય છે. દર્દી પોતે જ નહિ પરંતુ તેમના પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે. કોરોના મહામારી પછી ઉદાસીનતાના લક્ષણો ધરાવતા લોકોની સંખ્યામાં ઉમેરો થયો છે.