સુરતના અલથાણ કેનાલ રોડ ઉપર આવેલા કેશવ હાઈટ્સના રામેશ્વર B વિંગમાં એકાએક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એપાર્ટમેન્ટમાં આગ લાગતા રહીશોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
40 જેટલા લોકોને રેસ્ક્યુ કરાયા
કેશવ હાઇટ્સના રામેશ્વર B વિંગના બીજા મોળે આગ લાગી હતી. જેના કારણે આખે આખો ફ્લોર આગની ઝપેટમાં આવી ગયો હતો. બીજા માળે આગ લાગતા જ લોકો ગભરાઈ ગયા હતા. 10 માળનું એપાર્ટમેન્ટ હોવાને કારણે લોકોની સંખ્યા પણ ખૂબ વધારે હતી. આગ ખૂબ જ વિકરાળ હોવાથી રહીશો પણ ગભરાયા હતા.
મોટા પ્રમાણમાં ધુમાડો નીકળતા રહીશોમાં ફફડાટ
એપાર્ટમેન્ટમાં એકાએક આગ લાગતાની સાથે જ ખૂબ મોટા પ્રમાણમાં સ્મોક પણ નીકળવાનો શરૂ થઈ ગયો હતો. જેને કારણે રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને લોકો ઘરમાંથી બહાર દોડવાનું શરૂ કરી દીધું હતું. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ કરાયું
ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચતાની સાથે જ આગ ઉપર કાબુ લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ આગ ધીરે ધીરે પ્રસરી રહી હોવાને કારણે તમામ લોકોને એકસાથે ટેરેસ તરફ લઈ જવામાં આવ્યા હતા. બીજા માળના અને ત્રીજા માળ સહિતના લોકોને ટેરેસ ઉપર એકઠા કરી દેવાયા હતા. અંદાજે 35થી 40 લોકો ટેરેસ ઉપર હતા. આગ ધીરે ધીરે નિયંત્રણમાં આવતાની સાથે જ ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળતો હોવાને કારણે ગભરાઈ ગયેલા તમામ રહીશોને ધીરે ધીરે એપાર્ટમેન્ટની નીચે લઈ આવવામાં આવ્યા હતા. છઠ્ઠા માળે એક વૃદ્ધને પગમાં ફેક્ચર થયું હતું તેમને પણ ફાયર વિભાગના લોકો નીચે લઈ આવ્યા હતા.
બે લોકોને ઈજા થઈ
કેશવ હાઇટ્સના રામેશ્વર વીંગમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર ઘટનામાં બે લોકોને ઈજા થઈ હતી. બીજા ફ્લોર પરથી આગ ત્રીજો ફ્લોર ઉપર પણ પ્રસરી રહી હતી. ત્રીજા માળના બારીના કાચ તૂટતા બે લોકોને બીજા થઈ હતી. જોકે આગ વધુ પ્રસરે તે પહેલા જ ત્રીજા માળના 301 નંબરના ફ્લેટમાં જ ફાયરવિભાગે આગને કાબુમાં લઈ લીધી હતી.
આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી: ફાયર ઓફિસર
ફાયર ઓફિસર અક્ષય પટેલે તમામ ઘટનાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, બીજા માળે આગ લાગી હતી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ બંધ મકાનમાંથી આગ પ્રસરી હોવાનું જાણવા મળ્યું હતું. જોત જોતામાં ત્રીજા માળે ફ્લેટ નંબર 301 નંબરમાં પ્રસરી ગઇ હતી. આગને કાબુમાં લેવા માટે વેસુ, મજુરા, અડાજણ, માન દરવાજા, પાલનપુર સહિતની ગાડીઓ પહોંચી હતી. ધુમાડો વધુ હોવાને કારણે રહીશોમાં ડર જોવા મળ્યો હતો. જોકે સ્થળ પરના તમામ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તમામ રહીશોને ટેરેસ ઉપર લઈ જવાનો નિર્ણય કરાયો હતી, જેથી તેઓ સુરક્ષિત થઈ ગયા હતા. કેશવ હાઇટ્સ અંદાજે 10 માળનું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.