- સદોષ માનવવધની કલમ લાગુ ન પડે : હાઈકોર્ટ
- મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાના કેસમાં વધુ બે આરોપીઓની જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા
- બંને અરજદારો પર સદોષ માનવવધની કલમ લાગુ પડે નહીં.
સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ બંને અરજદારોએ તેમના ઉપરી સત્તાધીશોના કહેવાથી ટિકિટનુ વિતરણ કરેલુ. તેઓ બુકિંગ ક્લાર્ક છે, તેમની આ કેસમાં કોઈ ભૂમિકા નથી. જેથી અરજદારો પર સદોષ માનવવધની કલમ લાગુ પાડી ન શકાય.
બીજી તરફ્ પિડીતોના વકીલે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે, આ કમનસીબ દુર્ઘટનાના દિવસે ટિકિટને આડેધડ વેચવામાં આવેલી અને બ્લેક માર્કેટિંગ કરાયેલુ. જેના લીધે, પુલ પર તેની ક્ષમતા કરતા વધુ મુલાકાતીઓને જવા દેવાયેલા અને આ દુર્ઘટના ઘટી હતી.
સરકારી વકીલની રજૂઆત હતી કે, આ કેસમાં આરોપીઓની ક્રિમિનલ નેગ્લિજન્સ (ગુનાહિત બેદરકારી) છે કે નહીં તે બાબત અંગેનો ટ્રાયલ કોર્ટ અથવા તો અન્ય સક્ષમ અદાલતના કાર્યક્ષેત્રનો વિષય છે. મહત્વનુ છે કે, ગયા મહિને હાઈકોર્ટે આ કેસમાં ત્રણ આરોપીઓ અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણના જામીન મંજૂર કર્યા હતા.
કેસની વિગત જોઈએ તો, ગત વર્ષે ઓક્ટોબરના અંતમાં દિવાળી બાદ, મોરબીનો ઝુલતોપુલ તુટવાની દુર્ઘટના ઘટેલી. જેમાં 134 જેટલા નિર્દોષ લોકોના મોત થયેલા અને આ મુદ્દા પર હાઈકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી પણ દાખલ કરેલી છે. બેદરકારી દાખવવા બદલ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરેલી છે.