- 108, એમ્બ્યુલન્સ મુકાશે, મેડિકલ ટીમો મુકાશે
- મેયર, ચેરમેન, રાજ્ય પોલીસ વડાની ઉપસ્થિતિમાં એકતા સમિતિની બેઠક
- પોલીસ અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનો રાઉન્ડ લીધો હતો
અમદાવાદમાં આગામી તા. 20 જૂનના રોજ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને ધ્યાનમાં લઈને રથયાત્રાના રૂટ પર ભક્તો, દર્શનાર્થીઓ અને શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ સમગ્ર રૂટ પરથી રથયાત્રા હેમખેમ પસાર થાય તે હેતુસર AMC ખાતે એકતા સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. લગભગ 14 કિ.મી. લાંબા રથયાત્રાના રૂટ પર પાણીની પરબો મૂકવા, 108 અને એમ્બ્યુલન્સ રાખવા, ભયજનક મકાનો ઉતારી લેવા અને પ્રોટેક્શન કરવા, નડતરરૂપ ઝાડના ટ્રીમિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર રખડતા કુતરા અને પશુઓ આવી જતા હોવાથી રથયાત્રામાં જોડાયેલી ટ્રકોને બ્રેક મારવાની ફરજ પડતાં અકસ્માતો સર્જાતા હોવાથી કૂતરા પકડવા માટે રજુઆતો કરાઈ હતી. આ બેઠકમાં AMC પદાધિકારીઓ, અધિકારીઓ, ટ્રેક એસોસીએશન અને ભજન મંડળીના હોદ્દેદારો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પહેલાં મેયર કીરીટ પરમાર સહિત મ્યુનિ. પદાધિકારીઓ અને અધિકારીઓ, રાજ્ય પોલીસ વડા તથા પોલીસ અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનો રાઉન્ડ લીધો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ એ જણાવ્યું હતું કે, રથયાત્રાના રૂટ ઉપર 187 જેટલા મકાનો પર ફક્ત નોટિસ લગાવવાને બદલે સૌપ્રથમવાર ભયજનક મકાન અંગેની એલ્યુમિનિયમની પ્લેટ લગાવીને ભયજનક મકાન હોવાથી તેને ખાલી કરી દેવા અને ત્યાં કોઈ પણ વ્યક્તિએ ઉભું રહેવું નહીં, તેવી સૂચના લગાવાઈ છે. રથયાત્રા રૂટ પર પાણીની પરબો, હેલોજન લાઈટો, ફયરબ્રિગેડ સહિત વિવિધ સુવિધાઓ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી જરુરી તમામ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર તેમજ શહેરમાં કરવામાં આવેલ તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.