- હવાલા કૌભાંડમાં ચોક્કસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કે ટેક્સ સલાહકારો પણ સંડોવાયેલા
- દાતાઓએ ITને લેખિતમાં કહ્યું, માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોને જ દાન આપ્યું હતું
- રાજકીય પક્ષો સાથે આવી ગોઠવણ કરી આપી એજન્ટોએ પણ તગડી કમાણી કરી લીધી
રાજ્યમાં એક મહત્ત્વના ઘટનાક્રમમાં બહાર આવેલી માહિતી મુજબ, રજિસ્ટર્ડ છતાં અમાન્ય એવા અનેક રાજકીય પક્ષો (આરયુપીપી)એ પોતે ગેરકાયદે નાણાં હવાલામાં સામેલ હોવાનો એકરાર કર્યો છે અને આવકવેરા વિભાગના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યાનુસાર, જો કોઈ તેમના પક્ષને દાન આપશે તો તેમને વેરામુક્તિ સ્વરૂપે કમિશન મળશે એવી ઓફર આ પક્ષોએ કરી હતી. તેનાથી વિપરીતપણે આ પ્રકારે દાન આપનારાઓએ કહ્યું છે કે, તેમણે તો ચૂંટણીપંચ દ્વારા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને જ દાન આપ્યું હોવાથી કોઈ કાનૂનભંગ કર્યો નથી. રાજ્યમાં ગયા સપ્ટેમ્બર માસ દરમિયાન આવા 23 રાજકીય પક્ષ, તેમજ 35 મધ્યસ્થીઓ અને ત્રણ બાતમીદારો પાસે માહિતી મેળવી આ અભિયાન ચલાવાયું હતું.
આવકવેરામાં એક સૂત્રે જણાવ્યું કે, આવકવેરા કાનૂનની કલમ 80જીજીસી-80જીજીબી હેઠળના રાજકીય પક્ષોને સંડોવતા ક્લેઈમ બાબતે તપાસ કરતાં સમગ્ર પૂરાવા હાથ લાગ્યા હતા. ત્યારબાદ આ નાણાં દાતાઓને રોકડ, આરટીજીએસ, એનઈએફટી કે અન્ય રસ્તે પાછા વાળી દેવાતા હતા. બિન માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોમાં એવી નોંધાયેલી પાર્ટીઓ સામેલ છે જેને રાજકીય પક્ષ બનવા ચૂંટણીમાં પૂરતો વોટશેર ન મળ્યો હોય કે પછી રજિસ્ટ્રેશન બાદ ક્યારેય તેણે ચૂંટણી લડી ન હોય. રાજ્યમાં આવા કેટલાક પક્ષોએ સાડાચારથી પાંચ ટકા સુધીનું કમિશન ચાર્જ કરીને ડોનેશન મેળવવાની આવી છેતરપિંડી કરી હોવાનું સ્વીકાર્યું છે એમ સૂત્રો જણાવે છે. પાર્ટીના હોદ્દેદારો અને દાતાઓ વચ્ચેની મોબાઇલ વ્હોટ્સેપ ડિટેઇલ, ડાયરીમાં લખેલી કમિશન ડિટેઇલ કે પછી દાનની રસીદની વિગતો પરથી આ ભોપાળું બહાર આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે, આવી દાનની રકમ મેળવ્યા બાદ રાજકીય પ્રવૃત્તિ કે પછી સામાજિક કલ્યાણના કામોને નામે આ રકમ ટ્રાન્સફર કરાતી હતી. ત્યાં સુધી કે આવા હવાલા કૌભાંડમાં ચોક્કસ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ કે ટેક્સ સલાહકારો પણ સંડોવાયેલા હતા. આવા કૌભાંડને પાર પાડનારા એજન્ટોએ પણ 0.50 ટકાથી માંડીને 0.80 ટકા સુધીની કમાણી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકારે દાન આપનારા લોકો પૈકી વિભાગ દ્વારા 4,000 જેટલા પગારદારોને આવા પક્ષોને દાન આપવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી.
કાનૂન અંતર્ગત ફરજીયાત એવો ઈસીઆઈનો વાર્ષિક રીપોર્ટ આવી પાર્ટીઓ સમયસર નહીં ભરતી હોવાનું બહાર આવ્યું હતું. કેટલાંક નિષ્ણાતો માને છે કે, સરકારે આ બાબતે કડક કાર્યવાહી કરવી જોઈએ નહીંતર ચેરિટેબલ ટ્રસ્ટની જોગવાઈની માફક જ અહીં ગેરલાભ લેવાશે, જ્યાં આવકના દસ ટકા જેટલું દાનની સામે મળવાપાત્ર રાહતની રકમ 50 ટકા થવા જાય છે.