રાજુલાની ૧૦ પ્રાથમિક શાળાઓ ખાતે આરોગ્ય શિક્ષણ સાથે વ્યસનમુક્તિ ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન
તમાકુના સેવનથી થતી શારીરિક,માનસિક,આર્થિક અને સામાજિક અસરો તેમજ વ્યસન છોડવાની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ વિશેની વિસ્તૃત માહિતી બાળકોના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચે તેમજ તટ વિસ્તારના ગામોના લોકો વ્યસનમુક્તિ માટે પ્રેરાય તે માટે રાજુલા તાલુકાની ૧૦ પ્રાથમિક શાળાઓમા વ્યસનમુક્તિ કાર્યક્રમ તથા તમાકુ નિષેધ ચિત્ર સ્પર્ધાના આયોજન થકી લોકોને વ્યસનમુક્ત કરવા માટેના પ્રયત્નો ટોબેકો કાઉન્સેલર રિયાજભાઈ મોગલ અને સામાજીક કાર્યકર નરેશભાઈ જેઠવા દ્વારા કરાઈ રહયા છે.
લોકોમા જાગૃતિ આવે અને લોકો વ્યસનમુક્ત બને તે માટે રાજુલા તાલુકાની ૧૦ શાળાઓમા વ્યસનમુક્તિ ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામા આવતા ૫૫૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની આવડત મુજબ ચિત્રો દોરતા તમામને પ્રોત્સાહક ઈનામો આપેલ તેમજ એક થી ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલ શાળા દીઠ કુલ ૬ એમ કુલ ૬૦ વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપયોગી ઈનામો આપી સન્માનીત કર્યા હોવાનુ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા દ્વારા જણાવી દરેક વિધાર્થીને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમો થકી તમાકુના સેવનથી થતા નુકસાન અંગે લોકોમાં જનજાગૃતિ લાવી તમાકુ મુક્ત શાળા અને સમાજ બને તે માટે ડિસ્ટ્રીક ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા સતત વિવિધ કાર્યક્રમો અને દ્રાઈવ કરાઈ રહી હોવાનુ ઈ.એમ.ઓ.ડૉ.એ.કે.સિંઘ દ્વારા જણાવી શિક્ષણ વિભાગ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યકમની ટીમના સહયોગ સાથે આવનારી પેઢીને વ્યસનમુક્ત કરવા માટેના સઘન પ્રયત્નો કરાઈ રહયા છે.
ડિસ્ટ્રીક ટોબેકો કન્ટ્રોલ સેલના રિયાજભાઈ મોગલ અને નરેશભાઈ જેઠવા દ્વારા અમરેલી જીલ્લાની ૧૦૦ શાળાઓમાં જાતે જઈ વ્યસનમુક્તિ અંગેની કામગીરી કરાતા જીલ્લાના લોકો દ્વારા કામગીરીની પ્રશંસા થઈ રહી છે અને લોકો પણ એક ઝુંબેસના ભાગ રૂપે ખભે ખભો મીલાવી કામગીરીમાં સહભાગી થઈ રહયા હોવાનુ યાદીમા જણાવેલ છે.