- 24 કલાકમાં તાપમાનનો પારો 4.5 ડિગ્રી જેટલો ઊંચકાતાં ગરમી વધી
- અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.5 ડિગ્રીથી વધીને 41 ડિગ્રી થયું
- બપોરના સમયે રસ્તા સૂમસામ થવા લાગ્યાં હતા
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં માત્ર ૨4 કલાકમાં તાપમાનનો પારો 4થી 5 ડિગ્રી જેટલો ઊંચકાતાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ રાજ્યનાં 8 જેટલા શહેરનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં 36.5 ડિગ્રીથી વધીને 41 ડિગ્રી થઈ ગયું છે. તાપમાનનો પારો ઊંચકાતાં આજે અચાનક જ બપોરના સમયે રસ્તા સૂમસામ થવા લાગ્યાં હતા.
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદની સાથે અનેક વિસ્તારમાં તેજ પવન ફૂંકાતા વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જેના કારણે રાજ્યમાં તાપમાનનો પારો સાવ નીચું ઉતરી જતાં ગરમી સાવ ઘટી ગઈ હતી. ગઈકાલ મંગળવાર સુધી રાજ્યમાં ગરમીનો વર્તારો સાવ ઓછો હતો. મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી નોંધાયું હતું જે આજે વધીને 41 ડિગ્રી થઈ ગયું છે. આવી જ રીતે ગાંધીનગરમાં 38.6 ડિગ્રી નોંધાયું હતું જે વધીને 41 ડિગ્રી થયું છે.