- રાષ્ટ્રપતિના હુકમ, સરકારી જાહેરનામા મુજબ પટેલિયા સમાજ ST ગણાય છે
- ખુદ સ્કુટીની કમિટીએ પણ પ્રમાણિત કરી આપેલુ છે
- એસટી સમુદાયનુ પ્રમાણપત્ર આપવામાં આવતુ નથી
ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે પંચમહાલ જિલ્લાના લુણાવાડાના આદિવાસી પટેલિયા સમુદાયને અનુસુચિત જનજાતિ ( એસટી)નુ પ્રમાણપત્ર આપવામાં આવે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, અરજદાર પટેલિયા સમુદાયના છે. આ સમુદાયએ ભારતના રાષ્ટ્રપતિના વર્ષ 1950ના બંધારણીય અને વૈધાનિક હુકમ તથા રાજ્ય સરકારના સંબંધિત જાહેરનામાની એન્ટ્રી નં. 22 હેઠળ અનુસુચિત જાતિમાં સમાવિષ્ટ છે, ખુદ સ્કુટીની કમિટીએ પણ પ્રમાણિત કરી આપેલુ છે કે અરજદાર અનુસુચિત જનજાતિ છે. આ બાબતને ધ્યાને લઈને સત્તાધીશો બે સપ્તાહમાં અરજદારને એસટી સમુદાયનુ પ્રમાણપત્ર ઈસ્યુ કરે.
સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે અરજદાર અનુસુચિત જનજાતિમાં આવતા હોવા છતાં, સત્તાધીશો દ્વારા તેમને એસટી સમુદાયનુ પ્રમાણપત્ર આપવામાં આવતુ નથી. જેના લીધે, તેઓને શિક્ષણ સહિતના વિવિધ અધિકારોથી વર્ષોથી વંચિત રાખવામાં આવે છે. આ બાબતને લઈ કલેક્ટર સહિત તમામ સત્તાધીશોને રજૂઆત કરેલી છે. અરજદારોને તેમનાજન્મના, જાતિના અને તેમને પ્રાપ્ત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં રાષ્ટ્રપતિએ જ હુકમ કરેલો છે કે પટેલિયા સમુદાય એ એસટી વર્ગના જ છે. કેન્દ્ર સરકારના વર્ષ 1976ના જાહેરનામામાં પણ આ વાતનો ઉલ્લેખ છે. જેથી, સ્થાનિક સત્તાધીશો દ્વારા પટેલિયા સમુદાયને એસટીનુ પ્રમાણપત્ર ન આપવાના હુકમને રદ કરો.