- રાજ્યની 54 હજારથી વધુ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ
- 43 હજાર પ્રાથમિક અને 11,400 શાળાઓમાં સત્ર શરૂ
- ગત વર્ષ કરતા આ વર્ષે 8 દિવસ વહેલા સત્ર શરૂ થયું
આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેમાં રાજ્યની 54 હજારથી વધુ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયુ છે. તેમાં 43 હજાર પ્રાથમિક અને 11,400 શાળાઓમાં સત્ર શરૂ થયુ છે. ગત વર્ષ કરતા આ વર્ષે 8 દિવસ વહેલા સત્ર શરૂ થયું છે.
સ્ટેશનરી સહિતની સામગ્રીના ભાવોમાં પણ વધારો
શાળાઓ શરૂ થવાના છેલ્લા દિવસે એટલે કે ગઇકાલે બજારોમાં પુસ્તકો, નોટબુક, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ ખરીદવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. ઉપરાંત, અમુક પુસ્તકો હજુ સુધી વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા ન હોવાનું પણ જાણવા મળે છે. આ વખતે સ્ટેશનરી સહિતની સામગ્રીના ભાવોમાં પણ વધારો થયો છે. રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ થયા બાદ 5 જૂનથી 8 નવેમ્બર સુધી પ્રથમ સત્રમાં શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવશે.
બીજું શૈક્ષણિક સત્ર 30 નવેમ્બરથી 5 મે સુધી
ત્યારબાદ 9 નવેમ્બરથી દિવાળી વેકેશન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, પ્રથમ સત્રમાં 125 દિવસ શૈક્ષણિક કાર્ય માટે ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદ 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી 21 દિવસનો દિવાળી વેકેશન રહેશે. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 30 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજું શૈક્ષણિક સત્ર 30 નવેમ્બરથી 5 મે સુધી કુલ 125 દિવસનું રાખવામાં આવ્યું છે.