- અમદાવાદમાં તાપમાનને લઈ બે દિવસ યેલ્લો એલર્ટ
- 25 મેથી શહેરીજનોને ગરમીથી મળશે રાહત
- વેસ્ટર્ન ડિસ્ટરબન્સને લીધે વાદળછાયુ વાતાવરણ રહેશે
રાજ્યમાં ઉનાળો અંતિમ તબક્કામાં પહોંચી રહ્યા છે. પરંતુ રાજ્યના અમુક વિસ્તારોમાં હજી પણ ગરમીનો પ્રકોપ ઓછો થઈ રહ્યો નથી. જેમાં અમદાવાદમાં હજી પણ ગરમીથી રાહત મળી રહી નથી. જેને લઈને હવામાન વિભાગે આગામી દિવસો માટે યેલ્લો એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત 40 થી 41 ડિગ્રી તાપમાન રહેશે તો સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતમાં 40 થી 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
અમદાવાદના હવામાન કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, આગામી 5 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે તાપમાનની વાત કરીએ તો તેમાં મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી. અમદાવાદમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેની સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભેજનું પ્રમાણ વધવા લાગશે તેમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના છે.
25 મેથી શહેરીજનોને ગરમીથી મળશે રાહત
બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. જેના કારણે લોકોને ગરમી સાથે બફારાનો ડબલ માર સહન કરવો પડી રહ્યો છે. આ ગરમી અને બફારા વચ્ચે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે ત્રણ દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત રહેશે અને તાપમાનમાં ઘટાડો થશે. 24 મે બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો નોંધાશે. તેમજ ગાંધીનગર, રાજકોટ, અમરેલી, કંડલા, ભૂજ, વલ્લભ વિદ્યાનગરમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ રહેશે. પરંતુ વરસાદ થવાની કોઈ સંભાવના ના હોવાનું પણ જણાવાયુ છે.
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે રોહીણી નક્ષત્ર જોઇને ચોમાસા અંગે પુર્વાનુમાન કર્યુ છે. મે મહિનામાં એટલે કે, ચોમાસા પહેલા વાવાઝોડા સક્રિય થતા હોય છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા મોચા વાવાઝોડું નબળું પડી ગયુ છે. હવામાન નિષ્ણાતો પ્રમાણે, હવે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થશે.