- ખાનગી કંપનીને ભાવ ઘટાડો પોસાય તો સરકારીને કેમ નહીં
- કાલથી ભાવ ઘટે તેવી શક્યતા
- સરકારી કંપનીઓ પર પણ ભાવ ઘટાડવાનું દબાણ સર્જાયું
ખાનગી ક્ષેત્રની બે કંપની રિલાયન્સ અને નાયરાએ પેટ્રોલ અને ડીઝલમાં રૂ.1-1નો ઘટાડો કરી નાખતા ભાવ યુધ્ધ છેડાયું છે. આ બંને કંપનીઓના પંપ પર લાઈન લાગે તો નવાઈ નહીં રહે. હવે સરકારી કંપનીઓ પર પણ વેચાણ ઘટવાના ભયથી ભાવ ઘટાડાનું દબાણ વધ્યું છે. 1લી જૂનથી સરકારી પેટ્રોલિયમ કંપનીઓ પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. સરકારી કંપનીઓની ભાવ ઘટાડાની ઈચ્છા નહીં હોય પણ સરકાર આદેશ આપે તો ભાવ ઘટાડવા પડશે.
રિલાયન્સ અને નાયરાએ પેટ્રોલ અને ડીઝલ બંને ઈંધણમાં રૂ.1-1નો ઘટાડો કોઈપણ જાતની હોહા કર્યા વગર છેલ્લા 15 દિવસથી કર્યો છે. બંને કંપનીઓએ ભાવ ઘટાડાના બોર્ડ બદલીને ગ્રાહકોને જાણ કરી હતી તે સિવાય કોઈ જાહેરાત કરી નહોતી. આ બંને કંપનીઓએ થોેડા સમય અગાઉ સરકારી કંપની કરતા રૂ.5 થી 7 ઉંચા ભાવે પેટ્રોલ ડીઝલનું વેચાણ કર્યું હતું. પરંતુ આટલા ઉંચા ભાવે તેમને વેચાણ થતું નહોતું. તેના કારણે ખોટ ગઈ હતી. આ ખોટ સરભર કરવા માટે ભાવ ઘટાડયા હોવાનું સૂત્રોએ કહ્યું છે.
જો ખાનગી કંપનીઓને પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડો પોષાતો હોય તો સરકારી કંપનીઓને શા માટે નહીં ? તેવો પ્રશ્ન લોકોમાં ઉઠયો છે. સરકારી કંપનીઓએ 14 મહિનાથી કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. વિશ્વ સ્તરે ક્રુડમાં મંદી છતાં ઘરઆંગણે ઉંચા ભાવ સામે લોકોમાં નારાજગી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ તેલમાં લાંબા વખતથી મંદી પ્રવર્તતી હોવા છતાં ઘરઆંગણે એકાદ વર્ષથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ રાહત આપવામાં આવતી નથી. જ્યારે ખાનગી પેટ્રોલિયમ કંપનીઓએ ભાવ ઘટાડો કરી દીધો છે. સરકારી કંપનીઓ કરતા પેટ્રોલ-ડીઝલ એક એક રૂપિયો સસ્તા ભાવે વેચવા લાગી છે તેના પગલે સરકારી કંપનીઓના પેટ્રોલ પંપ વિક્રેતાઓમાં ધુંધવાટ ઉભો થયો છે.