- નરોડામાં લુબી કંપનીનો કોન્ટ્રાક્ટર ગુમ થયાના 40 દિવસે તેની લાશ મળેલી
- ધંધામાં મનદુઃખ થતાં ચારેય આરોપીઓએ દારૂ પીવડાવીને હત્યા કરી હોવાનું ખૂલ્યું
- નેશનલ હાઇવે પર ગરનાળામાં લાશને ત્યાં આરોપીઓ સંતાડી હોવાનું આરોપીએ કબૂલ્યું
નરોડામાં રહેતા અને લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર ચાર પૈકી એક શખ્સને બિહારના નકસલી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. આટલું જ નહીં, આરોપીઓએ ધંધામાં મન દુઃખને લઇને લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે.
નરોડામાં રહેતા સુરેશભાઇ મોતીલાલ મહાજન લુબી કંપનીમાં લેબ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત, 21 એપ્રિલના રોજ સાંજના સાત વાગ્યે હું બહાર કામથી જાઉ છું તેમ કહીને ઘરેથી નિકળ્યા હતા. બાદમાં તેઓ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. નરોડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સુરેશભાઇને શોધખોળ કરી હતા ત્યારે 40 દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે, સુરેશભાઇ સાથે કામ કરતા રણજીત કુશ્વાહને ધંધા અર્થે મનદુઃખ ચાલતુ હતુ. સુરેશ સાથે અરવિંદ મહંતો પણ છેલ્લે જોડે હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે બિહાર જઇને અરવિંદ મહંતોની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં તેણે કબુલ્યુ કે, તે, રણજીત કુશ્વાહ, સૂરજ પાસવાન અને અનુજ પ્રસાદ ચારેય ભેગા મળીને સુરેશને ક્રેટા ગાડીમાં બેસાડીને ઉદેપુર તરફ જવા રવાના થયા હતા. ચાલુ ગાડીએ ચારેય શખ્સોએ દારૂ પીવડાવીને સુરજે હથોડી વડે સુરેશના માથામાં મારી હતી. આટલુ જ નહીં, સુરજ, અનુજ અને રણજીતે સુરેશનું ગળુ દબાવી હત્યા કરી હતી. બાદમાં રાજસ્થાનના ખરપીણા તેમજ ટીડીની વચ્ચેના ભાગે આવેલ ગરનાળા નંબર 341/1ની નીચે સુરેશભાઇ મહાજનની લાશ સંતાડી દઇને ત્યાંથી ફરાર થયા હતા. અરવિંદ સિવાય અન્ય ત્રણ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચક્રોગતિમાન કર્યા છે. નેશનલ હાઇવે પર ગરનાળામાં લાશને ત્યાં આરોપીઓ સંતાડી હોવાનું આરોપીએ કબૂલ્યું છે.