- પૂર્વ CM વિજય રૂપાણી, નીતિન પટેલને જવાબદારી અપાઇ
- દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં કામ કરશે
- અલગ અલગ લોકસભા સીટની સોંપાઈ જવાબદારી
લોકસભાની ચૂંટણી જીતવા ભાજપનો પ્લાન સામે આવ્યો છે. જેમાં ગુજરાતના 5 નેતાઓને જવાબદારી સોંપાઈ છે. તેમાં પૂર્વ CM વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, ભારતીબેન શિયાળને જવાબદારી સાથે વિનોદ ચાવડાને પણ જવાબદારી સોંપાઈ છે.
ગુજરાતના 5 નેતાઓને સોંપાઈ જવાબદારી
દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અલગ અલગ લોકસભા સીટની જવાબદારી સોંપાઈ છે. ગુજરાતના 5 નેતાઓને લોકસભા લક્ષી જવાબદારી સોંપાઈ છે. લોકસભા ચૂંટણી- 2024ને આડે માંડ એક વર્ષથી પણ ઓછો સમય રહ્યો છે. ભાજપ હાઈકમાન્ડે આ ચૂંટણીમાં દેશભરમાંથી 300 નેતાઓને લોકસભા બેઠકોની જવાબદારી સોંપી છે. જેમાં ગુજરાતમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીની ત્રણ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ એમ બે રાજ્યની કુલ પાંચ લોકસભા બેઠકોની જવાબદારી આપી છે.
પૂર્વ CM વિજય રૂપાણી, નીતિન પટેલને જવાબદારી અપાઇ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતમાંથી રૂપાણી અને પટેલ ઉપરાંત પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભાવનગરના સાંસદ ભારતીબહેન શિયાળને પણ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કામ સોંપ્યુ છે. સોમવાર અમદાવાદ આવેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને ચૂંટણીના લક્ષ્યાંક અંગે પુછાયુ ત્યારે તેમણે 300થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.
અલગ અલગ લોકસભા સીટની સોંપાઈ જવાબદારી
બે સપ્તાહ પૂર્વે જે.પી.નડ્ડાએ દેશભરમાંથી 300 નેતાઓ સાથે ચૂંટણીની રણનીતિને અમલમાં મુકવા વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેના આધારે પંજાબ ભાજપના પ્રભારી વિજય રૂપાણીને દિલ્હીમાં ચાંદની ચોક, દિલ્હી નોર્થ-વેસ્ટ અને દિલ્હી સેન્ટ્રલ એમ ત્રણ બેઠકોની જવાબદારી સોંપાઈ હતી. જ્યારે નીતિન પટેલને ઉત્તરાખંડમાં ટેહરી ગઢવાલ, હરિદ્વાર, ગઢવાલ અને ઉત્તરપ્રદેશમાં મુઝફરનગર અને કૈરાના એમ કુલ પાંચ લોકસભા મતક્ષેત્રોની જવાબદારી સોંપાઈ છે. તદ્ઉપરાંત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય મંત્રીઓને પણ કામ સોંપાયુ છે.