- ગુજરાતમાં અલગ અલગ કંપનીઓ ખોલીને ઉંચુ વળતરની લાલચ આપી
- લાલચના બહાને પાંચ હજારથી વધુ લોકોને છેતર્યા હતાં
- 2018થી ફરાર દંપતિને CID ક્રાઈમે ઉત્તર પ્રદેશના લખનઉથી ઝડપી પાડ્યા
ગુજરાતમાં લોકો સાથે અનેક પ્રકારે છેતરપિંડી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. બીજી તરફ લોકો લાલચમાં આવીને રૂપિયા ગુમાવતા હોવાના કિસ્સાઓ પણ સામે આવતાં હોય છે. ત્યારે ગુજરાતમાં અલગ અલગ કંપનીઓ ખોલીને ઉંચુ વળતર આપવાની લાલચ આપીને પાંચ હજારથી વધુ લોકો પાસેથી 50 કરોડથી વધુ રકમનું ફૂલેકુ ફેરવનાર ઉત્તરપ્રદેશના મનોજકુમાર લક્ષ્મીચંદ ચાંદ અને તેની પત્ની બંધના 2018થી ફરાર હતા.
બંને જણાને CID ક્રાઇમે ઉત્તરપ્રદેશના લખનઉથી ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મનોજકુમાર અને તેની પત્ની બંધનાએ સાથે મળીને ગુજરાતમાં વિશ્વામિત્ર સોશિયલ એન્ડ એન્યુકેશનલ ટ્રસ્ટ , વિશ્વામિત્ર પ્રોડ્યુસર કંપની. વિશ્વામિત્ર ઇન્ટરનેશનલ ઇન્ફ્રા લિમિટેડ નામની અલગ અલગ કંપનીઓ બનાવી ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોના નાણા પરત નહીં આપી અંદાજે 5 હજારથી વધુ લોકો સાથે 50 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરી હતી. 2018થી બન્ને નાસતા ફરતા હતા અને પોલીસ તેમની શોધખોળ કરતી હતી.
CID ક્રાઈમ, ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશન હેઠળ બન્ને વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ બન્ને ઝડપવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી. આ દંપતીને ઝડપવા માટે આર્થિક ગુના નિવારણ શાખાની ટીમો પણ કોશિશ કરી રહી હતી. ત્યારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ બન્ને ઉત્તરપ્રદેશના લખનઉમાં હોવાની બાતમી મળી હતી. આથી પોલીસ ઉત્તરપ્રદેશના લખનઉથી બાતમીના આધારે બન્ને ઝડપી લીધા હતા.
ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં 19 ગુના
આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બન્નેની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. બન્નેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ દંપતીએ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની છેતરપિંડી આચરી છે. બન્ને વિરૂદ્ધ ઉત્તરપ્રદેશમાં 3, બિહારમાં 8, રાજસ્થાનમાં 3, હરિયાણામાં 1 તથા ગુજરાતમાં 4 મળી કુલ 19 જેટલા ગુનાઓ દાખલ થયા છે. તેમજ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીઓની મિલકતની વિગતો મેળવીને તેને ટાંચમાં લેવાની તજવીજ પણ હાથ ધર્યું છે.