- 3 દિવસમાં અમદાવાદમાં પારો 6 ડિગ્રી અને ગાંધીનગરમાં 7 ડિગ્રી ગગડયો
- વરસાદના વિરામ બાદ રાજ્યના વાતાવરણમાં બફારો અને ઉકળાટ વધશે
- વરસાદી માહોલ સર્જાતાં મહત્તમ તાપમાન સાવ ઘટી ગયું છે
અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ સર્જાતાં મહત્તમ તાપમાન સાવ ઘટી ગયું છે. તાપમાન નીચું ઉતરતાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે. માત્ર ત્રણ દિવસમાં જ અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 6 ડિગ્રી અને ગાંધીનગરમાં 7 ડિગ્રી ગગડયો છે. મહત્વનું છે કે, હાલમાં લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ વરસાદના વિરામ બાદ વાતાવરણમાં ભેજના પ્રમાણને લઈ બફારો અને ઉકળાટ વધશે, જે ગરમી કરતાં પણ વધુ હેરાન-પરેશાન કરશે.
હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાતી આંકડાકીય વિગતો મુજબ શનિવારના રોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું જે આ જે ઘટીને 36.1 ડિગ્રી થઈ ગયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 42.2 ડિગ્રીથી ઘટીને માત્ર 35.1 ડિગ્રી થઈ ગયું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેતાં ડીસાનું તાપમાન ઘટીને 36 ડિગ્રીએ આવી ગયું છે. આવી જ રીતે ભુજનું 38.6 ડિગ્રી, નલિયાનું 3૫ ડિગ્રી, મહુવાનું 36.8 અને કેશોદનું 37.8 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. બીજી તરફ હજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાન ઊંચું રહેતા ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ રાજકોટનું 41.3 ડિગ્રી અને અમરેલીનું 41 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. સુરેન્દ્રનગરનું તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉનાળો શરૂ થયો ત્યારથી સતત ગરમીનો પ્રકોપ રહ્યો નથી. માંડ ગરમી શરૂ થાય અને વરસાદ પડતાં તાપમાન નીચું ઉતરવા લાગે છે. આ મહિનામાં અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોચ્યાં બાદ હાલમાં સાવ ઘટી ગયું છે.