- બિપરજોય ઈફેક્ટ : સોમવારે 61 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો
- માળિયાહાટીનામાં 5, માંગરોળમાં 4, મેંદરડા, માણાવદર અને વંથલીમાં 3થી ઈંચથી વધુ વરસાદ
- જ્યારે રાજકોટના ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલમાં અડધોથી બે ઈંચ વરસાદ
બિપરજોય વાવાઝોડાના આગમન પૂર્વે આજે સોમવારથી સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદનો પ્રારંભ થઈ ચુક્યો છે. સોમવાર સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 61 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર, અમરેલી જિલ્લાના તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ગીર સોમનાથનાં વેરાવળમાં 6 ઈંચ તેમજ સુત્રાપાડા અને જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય જૂનાગઢ જિલ્લાના માળીયામાં 5 ઈંચ, માંગરોળમાં 4, મેંદરડા, માણાવદર અને વંથલીમાં 3થી ઈંચથી વધુ વરસાદ પડતાં ઠેરઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સિવાય રાજકોટનાં ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલમાં અડધોથી બે ઈંચ જ્યારે જામનગરમાં અને કુતિયાણામાં સવા ઈંચ, રાણાવાવ અને અમરેલીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.
વાવાઝોડાના પગલે આજે સોમવારે રાજ્યના વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો. દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. બપોરના 12 વાગ્યા પછી સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. બપોરનાથી 12થી રાતના 10 વાગ્યા સુધીમાં વેરાવળમાં 6 અને સુત્રાપાડામાં સાજા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સિવાય તાલાલામાં આજે 50 કિમીની ઝડપે પવન ફુંકાવાનું શરુ થયા બાદ બપોરથી સાંજ સુધીમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢના કેશોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય માળીયાહાટીનામાં 5, માંગરોળમાં 4, મેંદરડા, માણાવદર અને વંથલીમાં 3થી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. લોકો વરસાદમાં ન્હાવા નીકળ્યા હતા તો વાવાઝોડાને પગલે નગરપાલિકા તથા પીજીવીસીએલ દ્વારા જોખમકારક વસ્તુઓને હટાવવાની કામગીરી કરાઈ હતી. અમરેલીના બાબરામાં 19 મીમી, શહેર અને બગસરામાં 18, સાવરકુંડલામાં 17, ધારીમાં 9, વડીયા અને લાઠીમાં 6, ખાંભામાં 3 અને લીલીયામાં 2 મીમી વરસાદ પડયો હતો. જામનગર જિલ્લાના જામજોધપુરમાં 29, કાલાવડમાં 20, જામનગરમાં 14 અને લાલપુરમાં 13 મીમી વરસાદ વરસ્યો હતો. એટલે કે અડધોથી સવા ઈંચ વરસાદ પડયો હતો. પોરબંદરમાં 21, રાણાવાવમાં 25 તો કુતિયાણામાં 31 મીમી વરસાદ પડયો હતો. કુતિયાણામાં બપોરે 12 વાગ્યાથી સાંજ સુધીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં ભારે પવન સાથે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. સાથે જ રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ટોલટેક્સના છાપરા ઉડી રોડ પર પડયા હતા. સિવીલ હોસ્પિટલ પાસેના એક મકાનનું છાપરું ઉડીને નીચે પડયું પણ કોઈ જગ્યાએ જાનહાની થઇ ન હતી. ઉપલેટામાં 53 એમએમ એટલે કે બે ઈંચ વરસાદ વરસી ગયો હતો.