- શહેરમાં દિવસે ને દિવસે સામાન્ય ચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે
- એક વ્યક્તિની નજર ચૂકવી સામાનની ચોરી કરી હતી
- સાબરમતીમાં ગાડીનો કાચ તોડીને તસ્કરોએ ચોરી કરી હતી
શહેરમાં દિવસે ને દિવસે સામાન્ય ચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે શહેરકોટડામાં રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા શખ્સોએ પણ રેલવેમાં કામ કરતા એક વ્યક્તિની નજર ચૂકવી સામાનની ચોરી કરી હતી. સોલામાં ઇલેકટ્રીકલ સામાનની ચોરી થઇ હતી. તેમજ સાબરમતીમાં ગાડીનો કાચ તોડીને તસ્કરોએ ચોરી કરી હતી. ત્રણેય બનાવોમાં પોલીસે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
બોપલમાં રહેતા મનિષભાઇ ઠક્કર શિવરંજની પાસે આવેલી એક હોસ્પિટલમાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલા તેઓ તેમના સાળાની ગાડી લઇને પત્ની સહિતના પરિવારજનો સાથે શ્રીનાથજી ફરવા ગયા હતા. ત્યાંથી પરત આવી સાબરમતી ઝુંડાલ સર્કલ પાસેના મુછ્છડ બાપુ ફૂડ કોર્ટમાં ગાડી પાર્ક કરી જમવા ગયા હતા. ત્યાંથી જમીને પરત આવ્યા ત્યારે તેઓની ગાડીનો કાચ તુટેલો હતો. જેમાં તેઓએ રાખેલા પર્સ, વોચ, સોનાના દાગીના સહિતની 73 હજારની વસ્તુ ચોરી થઇ હતી. ઓગણજ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વીજ પુરવઠો પૂરો પાડવા ઇલેકટ્રીકલ નેટવર્ક હંગામી ધોરણે ઉભુ કરાયુ હતુ. જે પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ ત્યાંથી વિસ્થાપિત કરી ભગાપુર જીઆઇડીસીમાં લઇ જવાનો વર્ક ઓર્ડર એક કંપનીને અપાયો હતો. આ સામાનમાં પતરા સહિત પેનલોનો 1.20 લાખનો સામાનની ચોરી થઇ હતી. આજ રીતે રેલ્વેમાં સિગ્નલ અને ટેલિકોમનો કોન્ટ્રાક્ટ ધરાવતા અને નરોડામાં રહેતા આશીષભાઇ પાંડેનીે નજર ચૂકવી 27 હજારની મતા ચોરી લીધી હતી.