- 15 વર્ષમાં એએમસીએ રૂ.1,100 કરોડના ખર્ચે પાણી ટાંકી બનાવી
- પાણીની 13 ટાંકીનું વિસ્તરણ થશે
- હાલ દૈનિક 1,550 MLD પાણીનું વિતરણ
અમદાવાદનો વિસ્તાર અને વસ્તીમાં વધારો થયો છે અને તેના પગલે શહેરીજનોની પાણી જરૂરિયાતમાં પણ વધારો થયો છે. AMC દ્વારા નાગરિકોને પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા માટે શહેરના તમામ ઝોનમાં ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીઓ બનાવવા માટેનું આયોજન હાથ ધર્યું છે. શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે હેતુસર કુલ 221 જેટલી અંડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ પાણીની ટાંકીઓ બનાવવામાં છે. હાલમાં નવી 16 જેટલી પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે અને નવી 16 ટાંકીઓ બનતાં શહેરમાં પાણીની ટાંકીની સંખ્યા વધીને 237 થશે. જ્યારે 13 પાણીની ટાંકીઓનું વિસ્તરણ કરાઈ રહ્યું છે. AMC દ્વારા તૈયાર થયેલી પાણીની ટાંકીઓની કુલ ક્ષમતા 1816.23 MLD પાણીની છે. હાલ શહેરમાં 598 જેટલા બોર છે. શહેરમાં 200 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો છે. હાલ AMC દ્વારા શહેરીજનોને દરરોજ 1,550 MLD પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. વોટર સપ્લાય કમિટીના ચેરમેને જણાવ્યું કે, છેલ્લાં 15 વર્ષમાં સ્વર્ણિમ મુખ્યમંત્રી જયંતિ યોજના હેઠળ રૂ.1,100 કરોડના ખર્ચે પાણી નવી ટાંકીઓ તૈયાર કરાઈ છે અને જૂની ટાંકીઓનું વિસ્તરણ કરાયું છે. હાલ પાંચ ઓવરહેડ ટાંકી સહિત 16 નવી પાણીની ટાંકી બની રહી છે. જ્યારે 13 જેટલી પાણીની ટાંકીઓની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે.