- પાણીની 16 નવી ટાંકીની કામગીરી ચાલુ
- પાંચ નવી ટાંકી બનાવવા આયોજન
- પરકોલેટિંગ વેલને લીધે ત્રણ દાયકામાં ભૂગર્ભ જળસપાટી 1,000 ફૂટ ઉપર આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને દરરોજ 1,550 MLD પાણીના સપ્લાય આપવામાં આવે છે. AMC દ્વારા શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડવા માટે નર્મદા અને રાસ્કા મારફતે અંદાજે 94 ટકા પાણીનો જથ્થો મેળવવામાં આવે છે. શહેરના નવા પશ્ચિમ ઝોનમાં મોટાભાગના વિસ્તારોમાં જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે પાણી આપવામાં આવે છે. મ્યુનિ. દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે તમામ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં પરકોલેટિંગ વેલ ફરજિયાત બનાવવાને પગલે ભૂગર્ભ જળની સપાટી ઉપર આવી છે અને તેના લીધે પાણીના સ્ત્રોતમાં પણ વધારો થયો છે. મ્યુનિ. દ્વારા નર્મદા કેનાલ, રાસ્કા વીઅર ઉપરાંત જુદા જુદા વિસ્તારોમાં બોર બનાવવામાં આવ્યા છે અને જરૂર મુજબ બોરમાંથી પણ પાણીનો સપ્લાય લેવામાં આવે છે.
AMC દ્વારા શહેરીજનોને માથાદીઠ લગભગ 140 લિટરથી વધુ પાણી પૂરૂં પાડવામાં આવે છે. ઉનાળામાં અસહ્ય ગરમીના કારણે પાણીની જરૂરિયાત વધી જાય છે. મ્યુનિ. દ્વારા પાણી મેળવવા માટેના મુખ્ય સ્ત્રોત નર્મદા અને રાસ્કા છે. ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા બોરમાંથી પણ જરૂર મુજબ પાણીનો જથ્થો મેળવવામાં આવે છે. છેલ્લાં ત્રણ દાયકામાં ભૂગર્ભ જળની સપાટી લગભગ 1,000 ફુટ ઊંચે આવી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે પરકોલેટિંગ વેલ બનાવવાનું ફરજિયાત કરવાને લીધે તેમજ પાણીનો સંગ્રહ કરવા માટેના પગલાં લેવાને પરિણામે અને પાણીનો વેડફાટ ન થાય તે માટે જનજાગૃતિ સહિતના પગલાં લેવાને પરિણામે ભૂગર્ભ જળ સપાટી ઉપર આવી છે. મ્યુનિ. દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે કુલ 1816.23 MLDની ક્ષમતા ધરાવતી આવરહેડ અને ભૂગર્ભ ટાંકીઓ બનાવવામાં આવી છે અને પાણીનો સપ્લાય પૂરો પાડવા માટે 200 જેટલા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનો બનાવ્યા છે.