- INCની ગાઇડલાઇન મુજબ જનરલ વોર્ડમાં છ દર્દીએ એક નર્સની જરૂર
- કોરોના જેવી મહામારી વખતે તબીબો સાથે નર્સિસની પણ મહત્ત્વની ભૂમિકા રહી હતી
- ફ્લોરેન્સ નાઈટિંગ ગેલની યાદમાં નાર્શિંગ દિન ઊજવાય છે
કોરોના મહામારીમાં આરોગ્ય ક્ષેત્રે ઘણુંબધુ શીખવા મળ્યું છે. કોરોના પીડિતોની સારવારમાં તબીબો સાથે નર્સેસની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે. ત્યારે આ વર્ષે ‘અમારી નર્સો, અમારું ભવિષ્ય’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી ખરા અર્થમાં ત્યારે જ સાર્થક થશે જ્યારે નાર્શિંગની ઘટની સમસ્યાનું સમાધાન થશે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આરોગ્યની સુવિધામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ઇન્ડિયન નાર્શિંગ કાઉન્સિલ (આઈએનસી)ની ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું નથી. જો ઇન્ડિયન નાર્શિંગ કાઉન્સિલની ગાઈડલાઈનનું પાલન થાય તો ફક્ત ગુજરાતમાં જ હજી એક લાખ નર્સની જરૂર જણાઈ રહી છે. ગુજરાતની સરકારી અને કોર્પોરેશનની હોસ્પિટલોમાં 20 હજારથી વધુ નર્સેસ નોકરી કરી રહી છે એમ નાર્શિંગના હોદ્દેદારોનું કહેવું છે.
ઇન્ડિયન નાર્શિંગ કાઉન્સિલ મુજબ જનરલ વોર્ડમાં 6 દર્દીએ એક નર્સ જોઈએ. આ જ રીતે બાળકો, બર્ન્સ, ન્યૂરો, કાર્ડિયાક અને ઇમરજન્સી વોર્ડમાં 4 દર્દીએ એક નર્સ, નર્સરી વોર્ડમાં 2 દર્દીએ એક નર્સ અને આઈસીયુ, ડાયાલિસિસ, આઈસીસીયુ, આઈસીસીઆર અને ન્યૂરોલોજી આઈસીયુ તેમજ લેબર રૂમમાં એક ટેબલ પર અર્થાત એક દર્દીએ એક નર્સ હોવી જોઈએ. આમ, સરકારી અને ખાનગી હોસ્પિટલો મળીને રાજ્યમાં હજી એક લાખ ટ્રેઈન્ડ નર્સેસની જરૂર વર્તાઈ રહી છે.
ફ્લોરેન્સ નાઈટિંગ ગેલની યાદમાં નાર્શિંગ દિન ઊજવાય છે
વિશ્વના પ્રથમ નર્સ એવા સમાજ સુધારક અને આધુનિક નાર્શિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે 12 મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ફ્લોરેન્સ નાઇટિંગેલે હાથમાં ફાણસ લઈ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવા-ચાકરી કરી હતી. તેમના માનમાં આ દિવસે નર્સેસની સેવાઓને સન્માનિત કરાય છે.