- સેન્ટ્રલ જેલમાં જ પોલીસ અસુરક્ષિત
- પોલીસકર્મીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
- દિલીપભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે ઘા મારી દીધો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીએ જેલના પોલીસ કર્મચારી સાથે ઝઘડો કરીને જાનથી મારી નાખવામાં માટે પોલીસ કર્મીને ગળાના ભાગે તિક્ષણ હથિયારનો ઘા મારી દીધો હતો. જેથી પોલીસ કર્મચારી ગંભીર હાલતમાં જમીને પટકાઈ પડયો હતો. બીજી બાજુ જેલના બીજા પોલીસ કર્મીઓ ત્યાં આવીને કેદીને પકડી જેલ બંદીમાં મોકલ્યો હતો. સાથે જ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર માટે મોકલી આપ્યો હતો. આ મામલે રાણીપ પોલીસે કાચા કામના કેદી સામે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાણીપના જેલ સ્ટાફ્ ક્વાર્ટસમાં રહેતા રાજેશકુમાર ચૌધરી છેલ્લા અઢી વર્ષથી જેલ હવાલદાર તરીકે સેન્ટ્રલ જેલમાં નોકરી કરે છે. બુધવારે તેઓ નોકરી પર હાજર હતા. તે સમયે શાંતિનિકેતન બેરેકમાં બિગ્નેશ વિયજભાઈ રાઊત અને અવિનાશ વ્યાસ બન્ને કેદીઓ બુમાબુમ કરતા હતા. જેથી બન્ને કેદીઓને સમજાવીને જેલ બંદી સારૂ મુકવા જેલ સિપાઈ દિલીપભાઈને જણાવ્યું હતુ. બાદમાં થોડા સમય પછી ફરી વખત શાંતિનિકેતન બેરેકમાં કેદીઓ વચ્ચે બૂમાબૂમ થતી હોવાની માહિતી મળતા જેલના સિપાઈ દિલીપભાઈ ત્યાં ગયા હતા. તે સમયે કાચા કામનો કેદી અભિજીત ઉફ્ર્ અભી ઝા સિપાઈ દિલીપભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી દિલીપભાઈએ તેને શાંત રહેવાનું કહીને જેલ બંદીમાંથી બહાર કાઢયો હતો. તે સમયે ઉશ્કેરાયેલા અભિજીતે અણીદાર કાપણથી દિલીપભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે ઘા મારી દીધો હતો.