- વિલંબથી કેટલાક કિસ્સામાં દર્દીની હાલત અતિગંભીર બને છે
- નિયમોનું પાલન નહિ થાય તો વિભાગ સામે કાર્યવાહી કરાશે
- આદેશનું ચુસ્તપણે પાલન નહિ થાય તો વિભાગ સામે કાર્યવાહી કરાશે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં રોજના આશરે 450 જેટલા દર્દીઓ ગંભીર પ્રકારની હાલતમાં સારવાર માટે આવતાં હોય છે. ટ્રોમા સેન્ટરમાં ગંભીર પ્રકારના દર્દીઓની સારવારમાં અમુક વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર કરવા છતાં દર્દીઓને દાખલ કરવામાં વિલંબ થતો હોય છે, આવી સ્થિતિમાં દર્દીઓને તકલીફનો સામનો કરવો પડે છે, એટલું જ નહિ પરંતુ કેટલાક કિસ્સામાં દર્દીની હાલત ગંભીરમાંથી અતિ ગંભીર થતી હોય છે. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સિવિલ હોસ્પિટલ તંત્રે તમામ વિભાગના વડાને તાકીદ કરતો પરિપત્ર કર્યો છે, જેમાં કહેવાયું છે કે, તાત્કાલિક સારવાર બાદ દર્દીને તૂર્ત જ દાખલ કરવામાં આવે. હોસ્પિટલ તંત્રે આ બાબતમાં ઢીલાશ દાખવવા બદલ કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીને આ સંદર્ભે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીને સતત અને ઝડપી સારવાર મળે તેવા આશય સાથે આ પરિપત્ર કરવામાં આવ્યો છે. સારવારમાં વધુ રાહ જોવી ન પડે તેની તકેદારી રાખવા પરિપત્ર થયો છે. હોસ્પિટલ સૂત્રો કહે છે કે, સિવિલના ટ્રોમા સેન્ટરમાં રોજના આશરે 450 જેટલા દર્દી સારવાર માટે આવતાં હોય છે. દર્દીને ઝડપી સારવાર તો મળે છે પરંતુ દાખલ કરવાની પ્રક્રિયામાં મોડું થતું હોવાનું ધ્યાને આવ્યું છે, જેને લઈ આ આદેશ કરાયો છે. હોસ્પિટલના વિભાગના વડાઓને કહેવાયું છે કે, આદેશનું ચુસ્તપણે પાલન નહિ થાય તો વિભાગ સામે કાર્યવાહી કરાશે.