- એક લાખે એક દર્દીમાં દેખાતી લાયકોસાયકોમા (ચરબીના કેન્સર)ની ગાંઠ
- સમયસર સર્જરી નહીં થાત તો કેન્સર છાતી અને ફેફ્સા સુધી પ્રસર્યુ
- ખાનગીમાં એકથી દોઢ લાખમાં થતી સર્જરી સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક
છેલ્લા દસ મહિનાથી ડાબા પગે જાંઘમાં થયેલી ચરબીના કેન્સર (લાયકોસાયકોમા)ની ત્રણ કિલોની ગાંઠની સાથે જીવન જીવતા અને અસહ્ય પીડાનો સામનો કરી રહેલા નેત્રણના યુવકની સિવિલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબોએ સફળ સર્જરી કરી હતી. પોણા કલાક સુધી ચાલેલી સર્જરી દરમિયાન તબીબી ટીમે 45 બાય ૩૦ સેમીની ત્રણ કિલોની ગાંઠ કાઢી હતી. જો સમયસર સર્જરી નહી થાત તો કેન્સર આ યુવકની છાતી અને ફેફ્સા સુધી પ્રસરવાનો ભય રહેલો હતો.
નેત્રણના વતની 30 વર્ષીય નરેશ વસાવાની સર્જરી તેમજ રિપોર્ટ સહિતના સારવાર વિનામૂલ્ય કરવામાં આવી છે, એમ કહેતા સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. ગણેશ ગોવેકરે ઉમેર્યું હતુ કે, આ સારવાર પાછળ પ્રાઈવેટ હોસ્પિટલમાં એકથી દોઢ લાખ સુધીનો ખર્ચો થાય છે. ગત તા. 7મીએ સિવિલમાં આવેલા નરેશની તપાસ બાદ પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડૉ. નિલેશ કાછડીયા અને એનેસ્થેસિયા વિભાગના તબીબોએ ગુરુવારે આ સફળ સર્જરી કરી હતી.
સામાન્ય રીતે ચરબીની ગાંઠ જોવા મળે જ છે. પરંતુ લાયકોસાયકોમાની ગાંઠ જવલ્લે દેખાય છે. આ પ્રકારની ગાંઠ એક લાખે એક દર્દીમાં જોવા મળે છે. સામાન્ય રીતે ચરબીના કેન્સરની ગાંઠની સાઈઝ 27 થી 30 સેમી જેટલી હોય છે. જ્યારે નરેશની જાંઘમાંથી કાઢવામાં આવેલી ગોલાકાર ગાંઠની સાઈઝ 45 બાય 30 સેમી અને વજન ત્રણ કિલો હતું.
ડૉ. નિલેશ કાછડીયાએ કહ્યું હતું કે, પેટમાંથી નીકળતી ગાંઠની સાઈઝ ત્રણ કિલો કરતા વધુ હોય છે. પરંતુ નરેશની જાંધમાંથી નીકળેલી ત્રણ કિલોની ગાંઠ એ રેર કેસ કહી શકાય છે. આટલી મોટી ગાંઠ સાથે ફરતા નરેશના ચાલવામાં તક્લીફ, પગે અસહ્ય દુઃખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. સર્જરી બાદ તેને મોટી રાહત થઈ છે. આ પ્રકારની ગાંઠ થવા માટે વારસાગત, ખાણી-પીણી જેવા કારણ જવાબદાર હોઈ શકે છે.