- 5 લોકો તાપી નદીમાં ન્હાવા પડ્યા હતા
- 3 લોકો બહાર આવ્યા, અન્ય 2 લોકો ડૂબ્યા
- ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી
સુરતના તાપી નદીમાં એક યુવક-યુવતી ડૂબ્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કામરેજમાં 5 લોકો તાપી નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી 3 લોકો બહાર આવી ગયા હતા અન્ય 2 લોકો ડૂબ્યા હતા. યુવક-યુવતી તાપી નદીમાં ડૂબ્યાની ઘટનાને લઇ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને સમગ્ર મામલે જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને ડૂબેલા 2 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
3 લોકો બહાર આવ્યા, અન્ય 2 લોકો ડૂબ્યા
મળતી માહિતી મુજબ સુરતના કામરેજ તાપી નદીમાં કુલ 5 લોકો ન્હાવા માટે ગયા હતા. અચાનક પાણીનું જોર આવતા 5 વ્યક્તિને નદીમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. જોકે, 3 લોકો નદીમાંથી બહાર આવી ગયા હતા જ્યારે 2 પાણીમાં ડૂબી ગયા છે. તાપી નદીમાં 2 વ્યક્તિ ડૂબ્યા છે જે વરાછાની તિરૂપતિ સોસાયટીના હોવાનું સામે આવ્યું છે. નદીમાં ડૂબેલા વ્યક્તિમાં એક 21 વર્ષીય સિદ્ધાર્થ નામનો યુવક છે, જ્યારે એક 8 વર્ષીય સગીરા માહી હરેશ વાનાણી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઇ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ થતા ગણતરીના કલાકોમાં આવી પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી.
નદીમાં ડૂબેલા લોકોની થઇ ઓળખ
સુરતના વરાછા રોડ પર આવેલી તિરુપતિ સોસાયટીમાં રહેતા હરેશભાઇ મનસુખભાઇ વાનાણી રત્નકલાકારનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલમાં એમને ત્યાં બોટાદ ખાતે રહેતા મિત્રનાં પુત્ર સિદ્ધાર્થ મનસુખભાઇ સાબત તેમજ પત્ની હેપ્પીબેન સિદ્ધાર્થ સાબર રહેવા માટે આવ્યા હતા. બુધવારે રત્નકલાકાર હરેશભાઇ પોતાના પરિવારમાં પત્ની કોમલબેન હરેશભાઇ વાનાણી, 12 વર્ષીય પુત્ર રૂદ્ર હરેશ વાનાણી, ધો-૭માં અભ્યાસ કરતી 9 વર્ષીય માહી ઉર્ફે ગુડ્ડી વાનાણી સહિત 6 લોકો કામરેજ તાલુકાના ડુંગરા જીયોર ગામની સીમમાં આવેલી તાપી નદીમાં નાહવા માટે આવ્યા હતા. ત્યારબાદ હરેશભાઇની પત્ની, પુત્ર, પુત્રી સહિત મિત્રનો પુત્ર અને એની પત્ની મળી કુલ 5 લોકો તાપી નદીનાં ઊંડા પાણીમાં ડૂબવા માંડયા હતા. આ સમયે પરિસ્થિતિ પામી ગયેલા તમામે બચાવો-બચાવોની બૂમો પાડી હતી. હરેશભાઇને તરતા આવડતું હોવાથી તેઓએ પળભરનો પણ વિચાર કર્યા વિના મિત્રના પુત્રની પત્ની હેપ્પીબેન સિદ્ધાર્થ, પુત્ર રૂદ્ર વાનાણી તથા કોમલબેનને નદી કિનારે સુરક્ષિત ખેંચી લાવ્યા હતા.
જ્યારે કુલ 5માંથી ૩ લોકોને નદીમાંથી બહાર આવ્યા બાદ હરેશભાઇએ પુત્રી માહી અને મિત્રનો પુત્ર સિદ્ધાર્થને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ખૂબ વિલંબ થઇ જતા તેમની નજર સમક્ષ વ્હાલસોયી 9 વર્ષીય પુત્રી માહી ઉર્ફે ગુડ્ડી અને સિદ્ધાર્થ સાબતા પાણીમાં ગરકાઉ થઇ ગયા હતા. આ બંનેના મૃતદેહ સાંજે સાત વાગ્યા બાદ ફાયરબ્રિગેડના જવાનોએ બહાર કાઢયા હતા.