એક સપ્તાહમાં 5,364 મીટરની ઊંચાઈએ પહોંચ્યા
માતા-પિતા સાથે 12 વર્ષીય પ્રાર્થના એવરેસ્ટ ચઢી
પાર્થનાએ હિમ વર્ષા જોવાનું ડ્રિમ કર્યુ પૂર્ણ
સુરતમાં તબીબ દંપતીએ તેમની 12 વર્ષીય પુત્રી સાથે અઠવાડિયામાં 5,364 મીટરની ઊંચાઈએ પહોંચી એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યો હતો. તેઓએ આકરા તડકાથી માંડીને માઇનસ 15 ડિગ્રીમાં તેજ ઠંડા પવનના અનુભવ સાથે એવરેસ્ટ સુધી પહોંચવાની સફર પૂરી કરી હતી.
માતા-પિતા સાથે 12 વર્ષીય પ્રાર્થના એવરેસ્ટ ચઢી
હીરા, કાપડ, જરી અને ખાણી-પીણી માટે પ્રખ્યાત સુરત શહેર હવે, સાહસ, કેમ્પિંગ અને ટ્રેકિંગ માટે પણ જાણીતું બની રહ્યું છે, એમ કહેતા ડો. શ્વેતા પટેલ અને ડો. નિહાલ પટેલે જણાવ્યું હતું કે, તેમની 12 વર્ષની પુત્રી પ્રાર્થનાએ બરફની વર્ષા જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી તેઓએ નેચરની સાથે એડવેન્ચરનો અનુભવ કરવા માટે એવરેસ્ટ પર જવાનું મનોમન નક્કી કરી લીધું હતું. ત્યારબાદ વેકેશન દરમિયાન તેઓ પુત્રી પ્રાર્થના સાથે એવરેસ્ટ કેમ્પ માટે નીકળી પડયા હતા. ગત તારીખ 21 મેના રોજ તેઓ એવરેસ્ટની દિશામાં નીકળ્યા હતા અને અઠવાડિયામાં એટલે કે, તારીખ 28 મેના રોજ 5,364 મીટરની ઊંચાઈએ પહોંચી એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યો હતો.
પાર્થનાએ હિમ વર્ષા જોવાનું ડ્રિમ કર્યુ પૂર્ણ
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ સફરમાં બરફવર્ષા અને જલવર્ષા સાથે એમ બંનેની મજા માણી હતી. આકરા તડકાથી માંડીને માઇનસ 15 ડિગ્રીમાં તેજ ઠંડા પવનનો અનુભવ પણ લીધો હતો. મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા અને જંકફૂડની દુનિયાથી દૂર કુદરતના ખોળામાં જિંદગીનો ખરો આનંદ માન્યો હતો. માનસિક રીતે સકારાત્મક રહેવું અને માઉન્ટેનિયરના વાતાવરણના નિયમોનું ગંભીરતાપૂર્વક પાલન કરવું ખૂબ જ જરૂરી હતું. ત્યાં હસી-મજાક ઘણીવાર ભયાનક બની શકે છે, જે નજરે જોવા મળ્યું હતું. અને ઘણા લોકો કમનસીબે આ ટ્રેક પૂર્ણ કરી શક્યા નહીં.