4 કોર્પોરેટર ગૂમ થયાના લાગ્યા પોસ્ટરો
કોર્પોરેટરની કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ
અનેક રજૂઆત કરવા છતા તંત્રની કામગીરી ગોકળગતિએ
સુરતના ન્યુ સીટી લાઈટ વિસ્તારમાં આવેલી રવિરાજ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિકોએ કોર્પોરેટર ગૂમ થયાના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો છે. પ્રાથમિક સુવિધાઓની કામગીરી માટે સ્થાનિકો દ્વારા લોકફાળો લેવાયો છે. જોકે 4 મહિના બાદ પણ તંત્ર દ્વારા સોસાયટીમાં સીસી રોડની કામગીરી અધુરી છોડી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
4 કોર્પોરેટર ગૂમ થયાના લાગ્યા બેનરો
મળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ રવિરાજ સોસાયટીના સ્થાનિકો દ્વારા પ્રાથમિક સુવિધાઓને લઇ લોકફાળાની રકમ જમા કરવામાં આવી હતી જેથી કરીને સુવિધાઓ મળી રહે. પરંતુ આ રકમ જમા કરાવ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા સીસી રોડ બનાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, ચાર ગલીના રોડ બનાવ્યા બાદ પાંચમી ગલીના રોડ બનાવવાની કામગીરી અધૂરી છોડી દેવાઈ હતી. આ મુદ્દે પહેલા સ્થાનિકો અઠવા ઝોન ગયા હતા અને ત્યાર બાદ મ્યુનિ. કમિશનરને પણ રજૂઆત કરી હતી. જોકે, સ્થાનિકોને નગરસેવકો તરફથી પણ કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો ન હતો. જેને લઇને સ્થાનિકોએ કૈલાસ સોલંકી, રશ્મી સાબુ, દિપેશ પટેલ અને હિમાશું રાઉલજી ગુમ થયાના પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરીને વિરોધ નોંધાવ્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે, નગર સેવકો ખોવાયા છે, રવિરાજ સોસાયટી, ન્યુ સીટી લાઈટ સોસાયટીનું અધુરૂં કામ પુરૂ કરવાનું વચન આપીને ખોવાયા છેના પોસ્ટરો સ્થાનિકો દ્વારા લગાવ્યા છે. તંત્રની કામગીરીને લઇ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.