- લૂંટનો સૂત્રધાર IIT ખડગપુરનો પૂર્વ વિદ્યાર્થીની ધરપકડ
- ઉચ્ચ અધિકારી બનવા માટે આરોપીએ કરી હતી લૂંટ
- રૂ.65 લાખના સોનાના 10 બિસ્કિટની થઇ હતી લૂટ
સુરતના ભટાર રોડ પર આવેલી જ્વેલર્સના સેલ્સમેનને સોનું ખરીદવાના બહાને કાપડિયા હેલ્થ ક્લબ પાસે બોલાવી રૂપિયા 65 લાખની કિંમતના સોનાના 10 બિસ્કિટ લૂંટી લેવાની ઘટનામાં ઝડપાયેલાં ઇન્દોરના 4 આરોપીઓમાંથી 1 સૂત્રધાર IIT ખડગપુરનો પૂર્વ વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું હતું. હાલ આરોપી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ માતા-પિતાના મોત બાદ નાના ભાઇ-બહેનની જવાબદારી આવી પડતાં લૂંટને અંજામ આપ્યો હતો.
શું હતો સમગ્ર મામલો ?
પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે મંગળવારે એલ.બી. ટર્નિંગ પાસે પોદાર પ્લાઝામાં સોનલ જ્વેલર્સમાં સેલ્સમેન રાજેશ હીરાલાલા શાહ (ઉ.વ. 57)ને મંગળવારે સાથી કર્મચારી રાજેશ જૈન સાથે બપોરે અઢી વાગ્યાની આસપાસ કાપડિયા હેલ્થ ક્લબ પાસે 1 કિલો સોનાના 10 બિસ્કિટની ડિલિવરી આપવા પહોંચ્યા હતા. જે સ્વીફ્ટ કાર MP09.ZN.9738માં દાગીના લેવા 4 વ્યક્તિ આવ્યા હતા. તેમણે જ આ દાગીના લૂંટી લીધા હતા. વરણામા પોલીસની મદદથી નાકાબંધી કરી સુરત પોલીસે ઇન્દોર કેશરબાગ ગોયા કોલોનીમાં રેહેતા મોહિત રાધવેન્દ્ર વર્મા (ઉં.વ.21), સૌરભ મૂકેશ વર્મા, પિયુષ મોહનલાલ યાદવ અને દેવેન્દ્ર કૈલાશ નરવરીયાને ઝડપી લઇ લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ કબજે લેવાયો હતો.
વિદ્યાર્થીએ સપના સાકાર કરવા ગેરમાર્ગ અપનાવ્યું
લૂંટનો સૂત્રધાર મોહિત શર્મા હાલ ઉચ્ચ અધિકારી બનવા માટે કૌટિલ્ય ક્લાસીસમાં ટ્રેનિંગ લઇ રહ્યો છે. દેશની જાણીતી IIT ખડગપુરનો પણ તે વિદ્યાર્થી રહી ચૂક્યો છે. 2017માં તેણે JEE મેઇન ક્લીય૨ કર્યા બાદ IIT ખડગપુરમાં એમિશન લીધું હતું. બે સેમિસ્ટર ભણ્યા બાદ નબળી આર્થિક સ્થિતિને કારણે છોડી દીધું હતું. થોડાંક સમય પહેલાં જ માતાનું કેન્સરમાં મોત થયું હતું. પિતા પણ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. નાના ભાઇ-બહેનને ભણાવવાની અને ભરણ પોષણની જવાબદારી આવી પડતાં તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
બિલ વીના સોનું વેચવાના રેકેટનો પર્દાફાશ
લૂંટની ઘટના સાથે આ પ્રકરણમાં જ્વેલર્સ દ્વારા બિલ વીના સોનું વેચવાનું રેકેટ ચાલતું હોવાનું પણ બહાર આવ્યું હતું. ઇન્દોરની વર્ષા પવાર મોહિતને બિલ વિના સોનું વેચવા માંગતી હોવાનું જણાવી સુરત લઇ આવી હતી. 65 લાખના સોના ઉપર ગ્રાહકના ૩ ટકા ટેક્ષ પ્રમાણે સ્હેજેયે 2 લાખ બચે છે. લૂંટારૂઓએ પણ તેનો જ ગેરલાભ લીધો હતો. પોતે બિલ વીના સોનું લેવાના હોઇ દુકાનના સીસીટીવીમાં આવવા નહિ માંગતા હોવાનું જણાવી સોનું લઇને બહાર બોલાવી લૂંટ ચલાવી હતી. આ ગોરખધંધો કરનાર જ્વેલર્સ વિરૂદ્ધ GST વિભાગને જાણ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.