- આરોપીએ રૂપિયા 11.47 લાખના હીરાની કરી ચોરી
- માતા-પિતાના સોગંધ આપીને આરોપીએ ચા પીવડાવી
- પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
સુરતમાં કતારગામના નંદુ ડોશીની વાડીમાં આવેલા હિરાના કારખાનામાં રત્નકલાકારે સાથી કર્મીઓને કેફી ચા પીવડાવીને લાખો રૂપિયાની ચોરી કર્યાની ઘટના સામે આવી છે. આરોપીએ હિરાના કારખાનામાં 8 કારીગરોને બંધ કરીને રૂપિયા 11.47 લાખના હિરા ચોરીને પલાયન થયો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ કતારગામમાં નારાયણનગર ચાર રસ્તા ખાતે મણિનગર સોસાયટીમાં રહેતા મુળ ભાવનગરના વલ્ભીપુરના મેહુલભાઇ નાગજીભાઇ વાણિયા (ઉં.વ. 39) કતારગામમાં નંદુ દોશીની વાડી ખાતે હીરાનું કારખાનું ચલાવે છે. તેમના કારખાનામાં ૩૦ કારીગરો દ્વારા દિવસ-રાત રફ હિરા લાવી તેના પર પ્રોસેસ કરવાનું કામ કરે છે. તેવામાં ગત 10 તારીખે સવારે સાત વાગ્યે તેમની ઓફિસમાં કામ કરતા કલ્પેશભાઇએ કોલ કરી જણાવ્યું કે, ઓફિસનો દરવાજો અંદરથી બંધ છે, અને આ દરવાજો કોઇ ખોલતું નથી. જેથી મેહુલભાઇ તરત જ ઓફિસે પહોંચી ગયા હતા. તેમણે ઓફિસના CCTV કેમેરા ચેક કરતા કારખાનામાં નાઇટ પાળીમાં કામ કરતા કારીગર નરેશ માળીનું કારસ્તાન સામે આવ્યું હતુ.
આરોપીએ માતા-પિતાના સોગંધ આપીને પીવડાવી ચા
આરોપી નરેશ 6 માસથી અહીં નોકરી કરતો હતો. નરેશે કારખાનામાં સવા 4 વાગ્યે પોતાના હાથે ચા બનાવી હતી. તેની સાથે કામ કરતા 8 કારીગરોને કેફી દ્રવ્ય મિક્સ કરીને ચા પીવડાવી હતી. જે કારીગરોએ ચા પીવા આનાકાની કરતા હતા તેઓને માતા-પિતાના સોગંદ ખવડાવીને કેફી ચા પીવડાવી દીધી હતી. ચા પીતા જ આઠેય કારીગરો અર્ધબેહોશ થઇ ગયા હતા. આ દરમિયાન કારીગર નરેશ કારખાનામાં 4 મશીન પર મુકેલા 4P, સરીન, સોઇંગ હીરાનો મુદ્દામાલ 250થી 255 કેરેટ વજનના 2,700નંગ હિરા ચોરીને કારખાનાની બહારથી લોક મારીને આઠેય કારીગરોને બંધ કરીને રફૂચક્ક થઇ ગયો હતો.
આરોપી નરેશ માળી વતન બનાસકાંઠા ભાગ્યો
સમગ્ર ઘટનાને લઇ હિરાના કારખાનેદાર મેહુલ વાણિયાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ડભોલી ચાર રસ્તાના ગંગોત્રી સોસાયટીમાં રહેતો નરેશ મોહનભાઇ માળી (ઉં.વ. 37) સામે રૂપિયા 11.47 લાખની હિરાની ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી મુળ બનાસકાંઠાના સૂઇગામનો હોવાનું સામે આવ્યું છે. હિરા ચોરીને આરોપી નરેશ વતન બનાસકાંઠા ભાગી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસની એક ટીમ બનાસકાંઠા રવાના થઇ હોવાનું પણ જાણવા મળે છે. પોલીસે સમગ્ર મામલે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.