- વેસુ કેનાલ રોડ દેરાસરને લઇ વિવાદ
- દેરાસર મુદ્દે 2 જૂથો વચ્ચે ઘર્ષણ
- પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો
વેસુ વિસ્તારની સોસાયટીમાં હવે જૈન મંદિરને લઇને વિવાદ શરૂ થયા છે. મેં મહિનામાં હાઇટેક એવન્યુમાં જૈન મંદિર ગેરકાયદે બાંધી દીધા બાદ મનપા દ્વારા તેને તોડી પાડવાથી લઇને સોસાયટીમાં પોલીસની હાજરીમાં થયેલી મારામારી સુધી આ વિવાદ પહોંચ્યો હતો. સોસાયટીમાં એક જૂથ જૈન મંદિર બાંધવા માટે મક્કમ હતું જ્યારે બીજું જૂથ તે ગેરકાયદે હોવાનું જણાવી મનપા અને પોલીસને રજૂઆત કરતા મામલો ઉગ્ર બન્યો હતો.
દેરાસર મુદ્દે 2 જૂથો આવ્યા આમનેસામે
વેસુ કેનાલ રોડ પર સુમેરૂ રેસીડેન્સીમાં કોમન પ્લોટમાં બાંધવામાં આવેલા જૈન મંદિરને લઇને વિવાદ શરૂ થયો છે. અહીં આવેલાં ૧૨૦ ફ્લેટ પૈકી 40 ફ્લેટસ જૈન સમુદાયના છે. કોમન પ્લોટમાં જૈન સમુદાયના લોકો દ્વારા દેરાસર બાંધી દેવામાં આવતાં ગત વર્ષથી વિવાદ શરૂ થયો હતો. આ વિવાદને લઇને સ્થાનિક રહીશો દ્વારા મનપાને રજૂઆત કરવામાં આવતાં મનપા દ્વારા 2 વખત આ બાંધકામ તોડી પાડવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી. મનપા દ્વારા કોઇ કાર્યવાહી નહિ કરવામાં આવતા નારાજ સ્થાનિકોએ રેરામાં સુધ્ધાં ફરિયાદ કરી ચૂક્યા છે, ત્યારે રવિવારે દેરાસરમાં ફ્લોરિંગનું કામ હાથ ધરવામાં આવતાં રહીશો ઉશ્કેરાયા હતા. બંને જૂથો સામસામે આવી ગયા હતા. પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાં વેસુ પોલીસ ઇન્સપેક્ટર એમ.સી. વાળા સહિતનો કાફલાએ ત્યાં દોડી જવાની ફરજ પડી હતી અને બાંધકામ અટકાવી બંને પક્ષોની સામસામી અરજી લીધી હતી.
બેંકવિટ હોલ-ગેમ ઝોન તોડનાર મનપાએ દેરાસર રહેવા દીધું
2021માં સોસાયટી બિલ્ડરે હેન્ડઓવર કરી હતી. તે વખતે કોરોનાના લાભ લઇ મુંબઇના સુરેશ અજબાનીના દાનથી આ દેરાસરનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. રેરાથી લઇને હાઇકોર્ટમાં પણ ફરિયાદ કરાઇ હતી. મનપાને ફરિયાદ કરતાં ઓગસ્ટ-22માં તેમણે સોસાયટીની ગેરકાયદે બાંધવામાં આવેલા બેન્કટ હોલ અને ગેમ ઝોન તો તોડી પાડ્યા હતા, પરંતુ દેરાસર રહેવા દીધું હતું. સોસાયટીમાં ફાયર જેવી ઘંટના સર્જાય તે સંજોગોમાં ફાયર ટેન્ડર પણ આવી શકે નહીં તેમ હોવા અંગે અત્યાર સુધી 200 અરજી કરી છે, પરંતુ પરિણામ શૂન્ય રહ્યાનો આક્ષેપ સાથે રહીશો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.