- ભેસ્તાનના શિવનગર સોસાયટીની ઘટના
- વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇને કર્યો આપઘાત
- પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
સુરતના ભેસ્તાનમાં આવેલા શિવનગર સોસાયટીમાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ
ધોરણ-10નું રિઝલ્ટ આવવાની પૂર્વ સંધ્યાએ ભેસ્તાન વિસ્તારની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરથી ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીનો આપઘાત
અવાર-નવાર વિદ્યાર્થીઓની આત્મહત્યા કરવાના બનાવો દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. જો વાત કરવામાં આવે સુરતની તો ધોરણ-10નું રિઝલ્ટ આવવાની પૂર્વ સંધ્યાએ ભેસ્તાન ખાતે શિવ નગર સોસાયટીમાં રહેતી નુપુર જીગ્નેશ ગોપાલબંસ (ઉ.વ.16)એ નાપાસ થવાના ડરથી ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. નુપુર સ્થાનિક વિસ્તારની શાળામાં ધોરણ – 10માં અભ્યાસ કરતી હતી. તે દરમિયાન બુધવારે સાંજે વિદ્યાર્થિનીએ પોતાના ઘરના બીજા માળે પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈને જીવન ટુકાવ્યું હતું. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસે જણાવ્યું હતું કે, નુપુરના પિતા નોકરીએ અને માતા પાલઘર ખાતે બ્યુટીપાર્લરના ઓર્ડરમાં ગયા હતા. તે દરમિયાન નુપૂરે ઘરમાં અંતિમ પગલું ભરી લીધું હતું. સાંજે નુપુરની દાદી બીજા માળે જતા નુપુરને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. પોલીસે વધુમાં કહ્યું હતું કે, ગુરુવારે નુપુરનું ધોરણ-10નું રિઝલ્ટ આવવાનું હતું. જેથી તેણીને પરીક્ષામાં નાપાસ થવાનો ડર હતો. જેને લીધે હતાશ નુપુરે રિઝલ્ટ આવે તે પહેલા અંતિમ પગલું ભરી લીધું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.