- અત્તરના ધંધા માટે લોન અપાવવાના નામે ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ખોલી
- ફેરિયાને GST તથા ITની ઉપરા છાપરી નોટિસ આવતા ઘટનાનો ભાંડો ફૂટયો
- કૌભાંડનું ભોપાળું બહાર આવતાં યુવાને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી
EOU કૌભાંડમાં બદનામ થઇ ચૂકેલાં યુનુસ ચક્કીવાલાએ પોતાની દુકાનમાં નોકરી કરતા કર્મચારીના પુત્રને અત્તરના ધંધા માટે લોન અપાવવાના નામે ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ખોલી નાખી હતી. અહીં આઠ બનાવટી પેઢીમાં સાથે વેપાર કરવાનું તથા પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાનમાં પણ વેપાર કર્યાનું દર્શાવી 1.90 કરોડની ઇનપુટ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી. જી.એસ.ટી. તથા ઇનકમટેક્ષમાંથી ઉપરાછાપરી નોટિસ આવતાં પોતાના પિતાના શેઠે કરેલા કૌભાંડનું ભોપાળું બહાર આવતાં યુવાને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોકબજાર સિંધીવાડમાં રહેતો 39 વર્ષીય ઉવેશ અબ્દુલગની સોપારીવાલા શહેરમાં ફરીફરીને અત્તરનો ધંધો કરે છે. થોડાક દિવસ પહેલાં તેને જીએસટી વિભાગની નોટીસ આવી હતી. સાવ ગરીબડા એવા આ યુવાનને પોતાના નામે કોઇએ કરી નાંખ્યું હોવાનો ખ્યાલ આવતાં હાલત કફોડી બની હતી. જોકે આ કોણે કર્યું તે સમજતા વાર લાગી ન હતી. તેના પિતા અડાજણ પાટિયાના યુનુસ અબ્દુલાહ ચક્કીવાલાની બુર્ખાની દુકાનમાં વર્ષોથી નોકરી કરે છે. 2017માં યુનુસે અત્તરના ધંધા માટે 50 હજારની લોન અપાવવાનું કહી ડોક્યુમેન્ટસ મેળવી લીધા હતા અને તેના નામે બનાવટી પેઢી ઉભી કરી આ કૌભાંડ કર્યું હતું. વિદેશમાં તેના નામે 28.59 કરોડનો માલ વિદેશ મોકલ્યાનું બતાવ્યું હતું. નવ પેઢી સાથે કરોડોના માલનું ખરી-વેચાણ કર્યાનો પણ ઉલ્લેખ હતો. તેમાંથી ચાર પેઢી તો તેમના સરનામે અસ્તિત્વ પણ ધરાવતી ન હતી.
માત્ર કાગળ ઉપર જ ખરીદ-વેચાણ બતાવી સરકાર પાસેથી 1.90 કરોડની ઇનપુટ ક્રેડિટ મેળવી છેતરપિંડી કરનાર પિતાના શેટ વિરૂદ્ધ આ યુવાને ક્રાઇમ બ્રાન્ચમાં ધા નાખી હતી. EOU કૌભાંડી યુનુસ ચક્કીવાલાનું ઇનપુટ ક્રેડિટ કૌભાંડમાં પણ નામ બહાર આવતાં ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી તેને પકડવા ઉપરા છાપરી રેડ પણ કરી હતી.