- એક મહિલા અને કિશોરીને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા
- મહિલાને કારમાંથી બહાર કાઢવામાં ફાયરબ્રિગેડને એક કલાક લાગ્યો
- મહિલાને અકસ્માતની કારમાં જ બોટલ ચઢાવવામાં આવી
સુરતમાં વેસુ વીઆર મોલ સામે વાય જંક્શન પાસે બુધવારે સાંજે પુરપાટ ઝડપે દોડી આવતી બે કાર એકબીજા સાથે ભટકાયા બાદ બીઆરટીએસની રેલિંગમાં ઘુસી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં એક મહિલા અને કિશોરીને ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કારની સીટ અને દરવાજામાં ફસાયેલી મહિલાને બહાર કાઢતા ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ બહાર કાઢી હતી.
બુધવારે સાંજે 4.55 વાગે વેસુ વીઆર મોલ સામે વાય જંક્શન પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક મહિલા કારમાં ફસાઈ ગઈ હોવાનો કોલ ફાયરબ્રિગેડને મળ્યો હતો. ત્યારબાદ મજૂરા અને વેસુ ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ કારમાં ફસાયેલી લીસા પટેલ નામની મહિલાને બહાર કાઢી હતી.
ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, એક કારમાં શુભકુમાર પંકજ પટેલ અને લીસા પટેલ નામની મહિલા હતી. જ્યારે બીજી કારમાં યશ મનોજ પટેલ, ખુશી કુશવત ગેહલોત, પલક નૈનેશ પટેલ અને કૃપા નૈનેશ પટેલ બેઠા હતા. દરમિયાન કાર હંકારી આવતા શુભકુમાર અને યશ પટેલની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને કાર વચ્ચે અકસ્માત થયા બાદ બીઆરટીએસની રેલિંગમાં ઘુસી ગઈ હતી.
અકસ્માતની આ ઘટનામાં લીસા પટેલ સીટ અને દરવાજામાં ફસાઈ ગઈ હતી. જ્યારે અકસ્માતને પગલે કારના કાચ તૂટીને ખુશીના કાન, નાક, ગાલ પર વાગતા ઇજા થઈ હતી. લીસા સિવિયના અન્યો બંને કારમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે લીસાને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી.
ફાયર ઓફિસરના હાથમાં ઇજા
કારની સીટ અને દરવાજામાં ફસાયેલી લીસાને બહાર કાઢતા ફાયરબ્રિગેડને એક કલાક લાગ્યો હતો. દરવાજો કાપીને લીસાને બહાર કાઢવામાં આવી હતી. લીસાને પગે ફેક્ચર અને ડાબી આંખમાં ઇજા થઈ હોય હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તેણીને બહાર કાઢતી વખતે ફાયર ઓફિસર પ્રકાશ પટેલનો ડાબો હાથ તૂટેલા કાચ પર પડતા તેમને પણ ઇજા થઈ હતી. લોહી નીકળતી હાલતમાં તેમને 108 માં સારવાર લીધી હતી.