- સુરતમાં ફરી એક વખત શ્વાનનો આતંક
- લગ્ન ટાણે જ શ્વાને બચકુ ભરતા ડરનો માહોલ
- વરરાજાના વેશમાં યુવાન આવ્યો વેક્સિન લેવા
સુરતમા શ્વાનનો આંતક ઓછો થતો નથી ત્યારે હવે અમરોલી વિસ્તારમાં વરરાજા સાથે અન્ય બે જાનૈયાઓ પર પણ શ્વાન દ્વારા હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં 18 વર્ષીય યુવકને લગ્ન માટે પીઠી ચોળાઇ ગઈ હતી અને આજે તેના લગ્ન હતા. જે લગ્ન કરવા જાય તે પહેલા જ ઘર નજીક શ્વાન દ્વારા તેની પર હુમલો કરવામાં આવ્યો હતો.
નોંધનીય છેકે,વરરાજા પર તો હુમલો કરવામાં આવ્યો હતો, સાથે-સાથે લગ્નમાં આવેલા બેથી ત્રણ જેટલા જાનૈયાઓ ઉપર પણ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને પીઠી ચોળેલો યુવક લગ્ન સ્થળ પર પહોંચવાની જગ્યાએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યો હતો.
સુરતમાં સતત શ્વાનનો આંતક વધી રહ્યો છે. સતત શ્વાન દ્વારા લોકોને કરડવાની ઘટના સામે આવે છે, ત્યારે આજ રોજ બનેલી બે ઘટનાને લઈને ફરી એક વાર શ્વાનના આતંકનો મુદ્દો ઉભો થયો છે શ્વાનના કરડવાને લઈને બે જેટલા બાળકોના મોત પણ થયા છે, ત્યારે ફરી એક વખત સુરતમાં શ્વાન આંતક સામે આવ્યો છે.
આ ઉપરાંત પાંડેસરા વિસ્તારમાં આશાપુરી સોસાયટીમાં રહેતા પચાસ વર્ષીય આધેડ ઘર નજીક ઉભા હતા, તે સમયે બેથી ત્રણ જેટલા શ્વાન દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના પગના ભાગે કરડી લેવામાં આવ્યું હતું. જેને લઈને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આમ, શ્વાનના રસીકરણ અને ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, છતાં પણ શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે.