- વ્યાજખોરોથી કંટાળીને યુવકે કર્યો હતો આપઘાતનો પ્રયાસ
- રૂપિયા 2.28 લાખ સામે 4.91 લાખ ચૂકવ્યા છતા આપતા ત્રાસ
- પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
સુરતમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. વ્યાજખોરો 20 ટકા વ્યાજે નાણાં ફેરવતા સરથાણાના વ્યાજખોર ડાંગર બંધુ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદી પાસે રૂપિયા 2.28 લાખ સામે 4.91 લાખ ચૂકવ્યા છતા વધુ રૂપિયા 1.76 લાખની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા. વ્યાજખોરોથી કંટાળીને પુણાના યુવક અગાઉ ઝેરી દવા પીને આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો.
વ્યાજખોરોથી કંટાળીને યુવકે કર્યો હતો આપઘાતનો પ્રયાસ
મળતી માહિતી મુજબ પુણાગામમાં સન રેસિડન્સી ખાતે રહેતા હિતેષ સોલંકીએ ટીટીસી માર્કેટ ખાતે આવેલી આર્વી ઓનલાઇન કુરિયર કંપનીમાં જોબ કરે છે. 3 વર્ષમાં ધંધામાં મંદી ઊભી થતા તેમણે આર્થિક સંકડામણ ઊભી થઇ હતી. હિતેશ સોલંકીએ ગામની બાજુના ગામના વિજય ડાંગર અને મહેશ ડાંગર પાસે ડિસેમ્બર 2020માં 17 હજાર રૂપિયા એક મહિનાના 20 ટકા વ્યાજના દરે આપ્યા હતા. મહિના બાદ તેમણે વ્યાજ સહિત નાણાં ચૂકવી પણ દીધા હતા. થોડા સમય બાદ ફરી નાણાંની જરૂરિયાત ઊભી થતા વિજય ડાંગર પાસે તેમણે ટુકડે-ટુકડે મળી રૂપિયા 2.28 લાખ લીધા હતા. અને વ્યાજ-પેનલ્ટી સહિત રૂપિયા 4.91 લાખ ચૂકવી પણ દીધા હતા. જોકે, વિજય વધુ રૂપિયાની લાલચમાં રૂપિયા 1.76 લાખની માંગણી કરીને ત્રાસ ગુજારતો હતો.
પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
આરોપી વિજય અને મહેશ કોલ કરીને ધાકધમકી આપતા હતા. જેથી કંટાળીને 8 માસ પહેલાં હિતેશે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સગાસંબંધી અને ગામના લોકોએ મધ્યસ્થી કરતા જે-તે સમયે હિતેશ સોલંકીએ કોઇ ફરિયાદ આપી ન હતી. જોકે. થોડા સમય બાદ ડાંગર બંધુએ ફરી ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો. ઘરે જઇ હિતેશ અને તેના પરિવારને ધમકાવવા સાથે ચપ્પુ બતાવીને ડરાવવાની પણ કોશિશ કરી હતી. જેને લઇ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પુણા પોલીસે વિજય પેથાભાઇ ડાંગર અને મહેશ પેથાભાઇ ડાંગર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.