- હળવદ યાર્ડના ઉચાપત કેસમાં સાત આરોપી જેલ ભેગા
- વેપારીઓના ડમી લાઇસન્સ કૌભાંડનો પણ ઘટસ્ફોટ થાય તેવી શક્યતા
- સેસ ઉચાપતનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું
હળવદ માર્કેટિંગ યાર્ડમાં નકલી રસીદ ઈશ્યૂ કરી સેસ ઉચાપતનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં જેલભેગા કરાયેલા આરોપીઓ પૈકી વિપુલ એરવાડિયા સામે કોટન કોર્પોરેશન ઓેફ ઇન્ડિયા દ્વારા થતી કપાસની ખરીદીમાં ગેરરીતિ કર્યાનો કેસ પણ 2015માં નોંધાયેલો છે.
આ કેસની વિગત મુજબ ખેેડુતો પાસેથી ખરીદી કરવાને બદલે વેપારીઓ પાસેથી કપાસની ખરીદી કરવામાં આવી હતી, જે બિલો બનાવવામાં આવ્યા હતા, તેમાં કપાસ જે વાહનોમાં લાવવામાં આવ્યા હતા તે વાહનોનો રજિસ્ટ્રેશન નંબર હતો. પોલીસ તપાસમાં ઉજાગર થયેલી વિગતો મુજબ વાહનોના રજિસ્ટ્રેશન નંબરમાંથી કેટલાક નંબર તો એસટી બસો અને ટુ વ્હિલરના પણ હતા. આ કેસમાં એરવાડિયાને આગોતરા જામીન મળી ગયા હતા, આ કેસ કોર્ટમાં પડતર છે. મહત્ત્વનું છે કે, 2015માં કૌભાંડ અંગે અરજી કરાઈ હતી, એ પછી મોડે મોડે એટલે કે 2023માં એફઆઈઆર નોંધાઈ હતી. આ કેસમાં સાત આરોપી જેલભેગા થયેલા છે. એવી પણ ચર્ચા છે કે, ભૂતકાળમાં આ યાર્ડમાં વેપારીઓના ડમી લાયસન્સ ઈશ્યૂ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, આ કૌભાંડનો ઘટસ્ફોટ થાય તેવી પણ શક્યતા રહેલી છે.