- દર્દીઓ ખાનગી સેન્ટરમાં વધુ નાણાં ચૂકવવા મજબૂર
- એમઆરઆઈ સેન્ટર માટેના ખાસ સ્ટ્રેચરના ઠેકાણા નથી
- હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે
એસજી હાઈવે સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં અંદાજે 9.50 કરોડના ખર્ચે એમઆરઆઈ મશીન વસાવવામાં આવ્યું છે, જોકે ત્રણ મહિના વીત્યા પછીયે આ એમઆઈઆર મશીન કાર્યરત્ કરાયું નથી. શું આસપાસની ખાનગી સેન્ટરોને ફાયદો પહોંચાડવા માટે જાણીબૂજીને વિલંબ કરાઈ રહ્યો છે કે કેમ તેવા સવાલો ઊઠી રહ્યા છે. બીજી તરફ હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે, ઈન્સ્ટોલેશનની પ્રક્રિયા આખરી તબક્કામાં છે, ટૂંક સમયમાં આ મશીન કાર્યરત કરાશે.
સોલા સિવિલ હોસ્પિટલમાં ગત ફેબ્રુઆરી મહિનામાં 9.50 કરોડના ખર્ચે નવું એમઆરઆઈ મશીન વસાવવામાં આવ્યું હતું. મોટે ભાગે માર્ચ મહિનામાં એમઆરઆઈ મશીન કાર્યરત થવાનું હતું પરંતુ ત્રણ મહિના વીત્યા પછીયે હજુ કોઈ ઠેકાણાં નથી. જેના કારણે હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે, લોકોને ખાનગી સેન્ટરમાં રિપોર્ટ માટે જવું પડે છે જ્યાં ઊંચી રકમ વસૂલવામાં આવે છે. એમઆરઆઈ મશીન લવાયું છે પરંતુ આ સેન્ટર માટે જે વિશેષ પ્રકારના સ્ટ્રેચર પણ હજુ સુધી લવાયા નથી.