- દર્દીઓને રંગબેરંગી અને ઘર જેવું વાતાવરણ મળશે
- આઈસીયુના 75 બેડ ઉપર આ પ્રયોગ શરૂ થયો છે
- સોલા સિવિલ હોસ્પિટલમાં સોમવારથી આ નિર્ણયનો અમલ શરૂ કરાયો છે
સોલા સિવિલ હોસ્પિટલમાં પણ હવે દર્દીઓ માટે સાત દિવસ અલગ અલગ રંગની ચાદર પાથરવામાં આવશે. સોલા સિવિલ હોસ્પિટલમાં સોમવારથી આ નિર્ણયનો અમલ શરૂ કરાયો છે. આઈસીયુના 75 બેડ ઉપર આ પ્રયોગ શરૂ થયો છે અને તબક્કાવાર રીતે અન્ય બેડ આવરી લેવાશે. વિવિધ બીમારીમાં સારવાર લેતાં દર્દીઓને ઘર જેવું વાતાવરણ લાગે, નિયમિત સાફ સૂથરી કલરફુલ ચાદર પર હળવાશ ભર્યા વાતાવરણનો અનુભવ થાય તેવા હેતુ સાથે આ પ્રયોગનો અમલ શરૂ કરાયો છે.
સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, સાત દિવસ દરમિયાન સફેદ, લાઈટ ગુલાબી, પીળો, લીલો, આસમાની સહિતના વિવિધ અલગ અલગ રંગની ચાદર દર્દીઓના બેડ પર પાથરવામાં આવશે. હોસ્પિટલમાં ચાદરનો પૂરતો સ્ટોક કરાયો છે. જોકે કેટલો સ્ટોક કરાયો છે તે સંદર્ભે હોસ્પિટલના તબીબોએ ફોડ પાડયો નથી. નિયમિત રીતે સાફ સૂથરી ચાદર પાથરવામાં આવે તેને લઈને પણ હોસ્પિટલ તંત્રે સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી છે. ઉલ્લેખનીય છે કે, અસારવા સિવિલ મેડિસિટીની હોસ્પિટલમાં જુદા જુદા રંગની ચાદર પાથરવાનો અમલ કરવામાં આવે છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના આશરે 1500થી 1700 જેટલા દર્દીઓ ઓપીડીમાં નોંધાય છે.