- અન્ય શહેરોના વિકાસના બહાને સ્ટડી ટૂરમાં ભાજપ- કોંગ્રેસ ‘ભાઈ ભાઈ’
- સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર
- રથયાત્રા રૂટ પરના દબાણો દૂર કરવા તાકીદ
AMCના તમામ 192 કોર્પોરેટરો અન્ય શહેરોના વિકાસનો અભ્યાસ કરવાના બહાને દેશના વિવિધ રાજ્યોના શહેરોનો પ્રવાસ ખેડશે. ‘સ્માર્ટ સિટી’ના દાવા કરનારા AMCના શાસકોએ ચૂંટાયેલી પાંખના તમામ કાઉન્સિલરોને પરપ્રાંતના શહેરોની વિઝિટ ટૂર કરવા માટે મોકલવા અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે. AMCના વિવિધ કામોનો વિરોધ કરનાર કોંગ્રેસના કોર્પોરેટરો પણ અન્ય અન્ય શહેરોનો પ્રવાસ ખેડશે. આમ, સ્ટડી ટૂરના નામે યોજાનાર પ્રવાસમાં ભાજપ- કોંગ્રેસ ‘ભાઈ- ભાઈ’ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. AMCના ભાજપ- કોંગ્રેસના કોર્પોરેટરોના પ્રવાસનો ખર્ચ બોજ શહેરીજનોના ટેક્સના પૈસાથી છલકાતી મ્યુનિ. તિજોરી પર પડશે. LIG મકાનો નથી લાગ્ય તેવા 18,000 લોકોને રૂ. 36 કરોડ પરત કરાશે. રથયાત્રા પહેલાં કાલુપુરથી પ્રેમ દરવાજા સુધી દબાણો દૂર કરાશે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે પાણી ભરાવાથી નારાજ થયેલા ચેરમેને ડ્રેનેજ, મેનહોલ, કેચપીટો, વગેરે સાફ કરવા તાકીદ કરી છે.
બુધવારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં સભ્યોને અન્ય શહેરોના સ્ટડી ટુર માટે મંજૂર કરાયેલી દરખાસ્તમાં સ્ટેન્ડિંગ કમિટીએ ‘સુધારો’ કરીને તમામ કોર્પોરેટરોને અન્ય શહેરોમાં વિકાસનો અભ્યાસ કરવા માટે વિઝિટ ટૂરની દરખાસ્તને લીલીઝંડી આપી છે. તાજેતરમાં LIG મકાનોનો ડ્રોમાં જે લોકોને મકાનો લાગ્યા નથી તેમને હજુ સુધી પૈસા પરત કરવામાં આવ્યા ન હોવાની ફરિયાદોને પગલે ટુંક સમયમાં પૈસા પરત આપવાની સૂચના અપાઈ છે. અંદાજે 18 હજાર લોકાને મકાનો લાગ્યા નથી તે લોકોને રૂ. 20,000 પરત કરવામાં આવે તો 36 કરોડ રૂપિયા ચૂકવાના થશે. રથયાત્રા પહેલાં કાલુપુરથી પ્રેમ દરવાજા સુધીમાં દબાણો દૂર કરવા તાકીદ કરાઈ છે.