- સુરતના 6 અગ્રણી રેસ્ટોરન્ટના ચીઝ-માયોનીઝમાં ભેળસેળ
- ચીઝ અને માયોનિઝનો જથ્થો પણ અખાદ્ય
- 40 કિલો અખાદ્ય ચીઝ અને મયોનીઝ જથ્થાનો નાશ કરાયો
સુરતના લોકો સ્ટ્રીટ ફૂડના ઘણાં શોખીન હોય છે, જેમાં પણ યંગસ્ટર્સને પિઝ્ઝા ખૂબ જ પસંદ આવતાં હોય છે. ત્યારે સુરતમાં પનીર બાદ હવે ચીઝ-માયોનીઝમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે. જેમાં સુરતના 6 અગ્રણી રેસ્ટોરન્ટના ચીઝ-માયોનીઝમાં ભેળસેળનો કિસ્સો સામે આવ્યો છે.
ચીઝ અને માયોનિઝનો જથ્થો પણ અખાદ્ય
સુરતના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યુ છે. જેમાં 40 કિલો અખાદ્ય ચીઝ અને માયોનીઝ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છેકે, ફુડ સેફટી ઓફિસરો દ્વારા સ્થળ તપાસ કરી મે મહિનામાં વિવિધ વાનગીઓની બનાવવામાં વપરાતા ચીઝ અને માયોનીઝનાં નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકી 06 નમુનાઓ ધારા ધોરણ મુજબના માલુમ પડ્યા નથી. જેથી આ 6 સંસ્થા સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ સંસ્થાઓમાંથી આશરે 40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે.
સુરતીઓએ બહારનું ખાવાનો ચટકો ઓછો કરીને આવા બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી વેંચનારાથી ચેતવા જેવું છે. અગાઉ મસાલામાં ભેળસેળ, ત્યાર બાજ પનીરમાં ભેળસેળનો કિસ્સો સામે આવ્યો હતો. જે પછી બરફ ગોળાના રંગમાં ભેળસેળનો કિસ્સો સામે આવ્યો હતો. આ પછી હવે જાણીતા રેસ્ટોરન્ટમાં ભેળસેળયુક્ત ભોજનના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે મોટા પાયે છેતરપિંડી થવાના કિસ્સા સામે આવી રહ્યા છે.
આ 6 સંસ્થાના નમૂના ફેઈલ ગયા
- સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ (પિઝા હટ) ઘોડદોડ રોડ
- દેવ હોસ્પિટાલિટી (લા-પીનોઝ પિઝા) પાલનપોર
- પ્રેરણા હોસ્પિટાલિટી (કેએસ ચારકોલ) પીપલોદ
- ડેન્સ પિઝા, અડાજણ
- ગુજ્જુ કાફે, જહાંગીરાબાદ
- જુબિલિયન્ટ ફૂડ વર્ક્સ લિ.(ડોમિનોસ પિઝા) ભરથાણા (વેસુ)