- અમદાવાદના ડીઇઓ એક્શનમાં આવ્યા
- આગામી 10 દિવસ બાદ શાળાનુ સત્ર શરૂ થશે
- સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસમાં તપાસ હાથ ધરાશે
અમદાવાદમાં ડમી સ્કૂલને ડીઇઓએ લાલ આંખ કરી છે. આગામી શૈક્ષણીક સત્ર શરૂ થયા બાદ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસમાં તપાસ હાથ ધરાશે. રાજ્યમાં ડમી સ્કૂલોનો રાફડો ફાટ્યો છે. જેની સીઘી અસર શિક્ષણ પર પડી રહી છે.
અમદાવાદના ડીઇઓ એક્શનમાં આવ્યા
આ વખતે જે રીતે ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામો આવ્યા છે. તેને લઇને શિક્ષણ બોર્ડના સભ્યોએ પણ બોર્ડમાં રજુઆત કરીને આ પ્રકારની સ્કૂલો સામે પગલા લેવા માટે રજુઆત કરી હતી. ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા પણ પરિપત્ર કરીને આ પ્રકારની સ્કૂલો સામે તપાસ કરવા માટે ડીઇઓને આદેશ કરવામા આવ્યો છે. જેને લઇને અમદાવાદના ડીઇઓ પણ એક્શનમાં આવ્યા છે.
આગામી 10 દિવસ બાદ શાળાનુ સત્ર શરૂ થશે
આગામી 10 દિવસ બાદ શાળાનુ સત્ર શરૂ થવા જઇ રહ્યુ છે. ત્યારે ડીઇઓ દ્વારા તમામ સ્કૂલોમાં અને ક્લાસીસમાં તપાસ કરવામા આવશે. જો વિદ્યાર્થી શાળામાં ગેરહાજર રહીને ટ્યુશન ક્લાસમાં હાજરી આપતો હશે તો તેવા વિદ્યાર્થીઓ અને સ્કૂલોનો ડેટા બોર્ડમાં મોકલવામા આવશે અને તેવા વિદ્યાર્થીઓ અને શાળાઓ સામે શિક્ષાત્મક પગલા લેવાઇ શકે છે.
જાણો ડમી સ્કૂલ શું છે
તમારા બાળકને ભણાવવા માટે તમે તગડી સ્કૂલ ફી ચૂકવી રહ્યા છો, એવું જો તમે વિચારતા હો તો તમને આ અહેવાલ રસપ્રદ લાગશે. શહેરમાં ઘણાં પેરેન્ટ્સ એવા છે જે તેમના બાળકોને રોજ સ્કૂલે ના જવું પડે તેના માટે મસમોટી રકમ ચૂકવી રહ્યા છે. વાલીઓએ સ્વીકાર્યું છે કે, તેઓ તેમના બાળકોને ડમી સ્કૂલમાં મૂકે છે જેથી તેમને રેગ્યુલર સ્કૂલોમાં ના જવું પડે છે. સામાન્ય સ્કૂલ કરતાં ડમી સ્કૂલોની ફી 50 ટકા વધારે હોય છે. પરંતુ બાળકો હાજરીની ચિંતા કર્યા વિના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે હેતુસર વાલીઓ વધારે ફી ચૂકવવા તૈયાર હોય છે.