- અમદાવાદ કોર્પોરેશને સન્માનનો કાર્યક્રમ ન રાખતા વિવાદ થયો
- મેયરે જણાવ્યું કે, અમે કોઈ વિદ્યાર્થીઓને બોલાવ્યા નથી
- કોઈ આયોજન નહીં કરતા વિદ્યાર્થીઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા
આજે જ્યારે એક તરફ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું ગતવર્ષની સરખામણીમાં પરિણામ ઘટ્યું છે. ત્યારે અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે અમદાવાદ કોર્પોરેશને સન્માનનો કાર્યક્રમ ન રાખતા વિવાદ થયો છે.અમદાવાદ કોર્પોરેશને પંડિત દિન દયાળ હોલ કે ટાગોર હોલમાં કોઈ આયોજન નહીં કરતા વિદ્યાર્થીઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા. જેના કારણે વિવાદ ઊભી થાયો છે.
દર વર્ષે ધોરણ 12ના તેજસ્વી તારલાઓના સન્માન માટે કાર્યક્રમ રાખવામાં આવે છે.પરંતુ આ વખતે આયોજન ન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નિરાશ થયા હતા.ધો.10ના વિદ્યાર્થીઓ માટે પંડિત દિનદયાળ હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. તેજસ્વી તારલાઓનું સન્માન ન યોજવા પર મેયરની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
અમદાવાદ મેયરે જણાવ્યું કે, અમે કોઈ વિદ્યાર્થીઓને બોલાવ્યા નથી. તેમજ વિદ્યાર્થીઓ એમની રીતે આવ્યા છે. બધા વિદ્યાર્થીઓને ન્યાય મળે એ રીતે આયોજન કરીશું. ધોરણ 10 અને 12 સાયન્સના બાળકોનું સન્માન કર્યું છે અને સામાન્ય પ્રવાહનું ક્યારેય સન્માન નથી કરતા. જેની પણ લોકોએ નોંધ લેવી જોઇએ.
અગાઉ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને સમયસર જાણ ન કરતા વિદ્યાર્થીઓ આવી શક્યા નહોતા ત્યારબાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં સ્થળ જ બદલી નાખ્યું હતું. જ્યારે હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ જ યોજવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓ પાલડી સંસ્કાર કેન્દ્ર પર સન્માન થશે તેવી આશા સાથે આવ્યા હતા બાદમાં નિરાશ થઈને પરત ફર્યા હતાં.
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આખરે આજે જાહેર થયું છે. જેમાં 73.27 ટકા પરિણામ રહ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 13 ટકા જેટલું ઓછું રહ્યું છે. આ વર્ષે 3.49 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ રહ્યું છે.