- મણિનગર તેમજ એલિસબ્રિજના 3 ગુનાનો ભેદ ઉકેલાયો
- ખાડીયામાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે
- પોલીસે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદમાં વધુ એક નકલી પોલીસ ઝડપાયો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ કર્મચારી બનીને રોફ જમાવીને મોબાઈલ તેમજ પૈસા પડાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મણિનગર અને એલિસબ્રિજ વિસ્તારના 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
મણિનગર તેમજ એલિસબ્રિજના 3 ગુનાનો ભેદ ઉકેલાયો
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મૌલિક કંસારાએ નકલી પોલીસ બનીને રોફ જમાવીને મોબાઈલ અને રોકડ રૂપિયા પડાવ્યા હતા. નકલી પોલીસ મૌલિક કંસારાને લઈને ખાડીયા પોલીસને બાતમી મળતા તેની ધરપકડ કરી છે. અને તપાસમાં મણિનગર તેમજ એલિસબ્રિજના 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે. મણિનગરમાં આરોપી બાઈક પર નીકળ્યો હતો ત્યારે સગીરવયના બે બાળકો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવીને પોલીસની ઓળખ આપીને મોબાઈલ પડાવ્યો અને એક બાળકના કાનમાં પહેરેલી સોનાની કડીને જવેલર્સ પાસે લઈ જઈને કઢાવી દીધી હતી. આ ઘટનાને લઈને મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ખાડીયામાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે
પકડાયેલ નકલી પોલીસ ખાડીયા વિસ્તારમાં પણ રોફ જમાવતો હતો. દેખાવમાં પોલીસ જેવો બાંધો હોવાથી તે પોલીસ સ્ટેશનમાં પણ ફરતો હતો. એટલું જ નહીં તેની વિરુદ્ધ ખાડીયામાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે. આ આરોપીએ મણિનગરમાં નકલી પોલીસ બનીને ગુનો કર્યા બાદ એલિસબ્રિજ વિસ્તારમાં પણ ગેસના સિલિન્ડર લઈને જતા પેન્ડલ રીક્ષા વાળાને અટકાવીને 7 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ વિસ્તારમાં બે વ્યક્તિને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ બનીને પૈસા પડાવનાર આરોપી મૌલિક કંસારા વિરુદ્ધ એક દિવસમાં 3 ગુના નોંધાયા છે.
પોલીસે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે
ખાડીયા પોલીસે આરોપીને મણિનગર પોલીસને સોપતા પોલીસે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત એલિસબ્રિજ પોલીસ પણ કસ્ટડી મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરશે. હાલમાં આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી નકલી પોલીસ બનીને પૈસા પડાવ્યા છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.