- સ્ટેડિયમના ગેટ નંબર 1 અને હોટેલ પાસે ટિકિટની કાળા બજારી કરતા હતા
- તપોવન સર્કલ પાસે પણ એક શખ્સ ટિકિટની કાળાબજારી કરતો હતો
- ત્રણ વ્યક્તિઓને ચાંદખેડા પોલીસે ઝડપી પાડયા છે
આઈપીએલની ફઈનલ મેચની ટિકિટનું કાળા બજારી કરી રહેલા ત્રણ વ્યક્તિઓને ચાંદખેડા પોલીસે ઝડપી પાડયા છે. એક આરોપી નરેન્દ્ર મોદી સ્ટેડીયમના ગેંટ નંબર એક પાસે જ્યારે બીજો મોટેરા ફેરડી મોલ હોટેલ ખાતે ટિકિટની કાળા બજારી કરતો હતો. તેમજ તપોવન સર્કલ પાસે પણ એક શખ્સ કાળાબજારી કરતો હતો. ત્રણ આરોપીઓ પાસેથી 21 ટિકિટ જપ્ત કરી પુછપરછ કરી હતી. પ્રાથમિક પુછપરછ દરમિયાન એક ટિકિટ 5 હજારથી લઈને 9 હજાર સુધીમાં વેચતા હોવાનું જણાવ્યું હતુ.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફઈનલ મેચ હોવાના કારણે ટિકિટ માટે દર્શકોનો ધસારો વધારે પ્રમાણમાં હતો. બાદમાં ટિકિટ મળવાની બંધ થઈ ગઈ હોવાથી ટિકિટની કાળા બજારી કરનારાઓ એક્ટીવ થઈ ગયા હતા. જેને પગલે ચાંદખેડા પોલીસ આવા કાળા બજારીઓને પકડવા માટે પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે બાતમીના આધારે મોટેરા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના ગેટ પાસેથી ટિકિટની કાળા બજારી કરનાર સચિનકુમાર ગારંગેને ઝડપી પાડયા હતા. તેની પાસેથી પોલીસને આઠ ટિકિટો મળી આવતા જપ્ત કરી હતી. આરોપીની પુછપરછ દરમિયાન એક ટિકિટ રૂ.5 હજારમાં વેચતો હોવાનું જણાવ્યું હતુ. બીજી બાજુ મોટેરા ફે-2-ડી મોલ હોટેલ ટયુશન પાસે ટિકિટની કાળા બજારી કરનાર અમન શાહ નામના યુવકને પોલીસે ઝડપી પાડયો હતો. તેની પાસેથી 7 ટિકીટો મળી આવતા પોલીસે જપ્ત કરી પુછપરછ હાથધરી હતી. આરોપી એક ટિકિટ રૂ.9 હજાર રૂપિયામાં વેચતો હોવાનું પુછપરછમાં જણાવ્યું હતુ. તેમજ તપોવન સર્કલ પાસેથી પોલીસે બાતમીના આધારે મહેશ ભરવાડને ઝડપી પાડયો હતો. જેની પાસેથી પોલીસે આઇપીએલ ફઇનલ મેચની 6 ટિકીટો મળી આવી હતી. આરોપીની પૂછપરછ કરતા રૂ. 2500ની ટિકિટ રૂ. 5000માં વેચતો હોવાનું જણાવ્યુ હતુ. આ મામલે ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથધરી છે.