- ઉત્તર ભારત માટે વડોદરાથી, દક્ષિણ ભારત માટે સાબરમતીથી ટ્રેન ઉપડશે
- પાંચ જ્યોતિલિંગ તથા વારાણસી, પ્રયાગરાજના પ્રવાસ માટે પણ ટ્રેન મુકાશે
- રેલવે મંત્રાલયના સહયોગથી બે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનુ બુકિંગ શરૂ કર્યુ છે
ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશને સરકારની ‘એક ભારત શ્રોષ્ઠ ભારત’ અને ‘દેખો આપણો દેશ’ યોજનાઓના ભાગરૂપે તથા રેલવે મંત્રાલયના સહયોગથી બે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનુ બુકિંગ શરૂ કર્યુ છે. જેમાં ઉત્તર ભારત દેવભૂમિ દર્શન અને દિવ્ય દક્ષિણ દર્શન યાત્રાનો સમાવેશ થાય છે.
ઉત્તર ભારત દેવભૂમિ દર્શન યાત્રા 11મી જૂનથી વડોદરા સ્ટેશનથી ઉપડશે અને 18મી જૂને પરત ફરશે. આ ટ્રેનમાં જોડનાર યાત્રીઓ નડિયાદ, આણંદ, સાબરમતી, કલોલ, મહેસાણા, ઊંઝા, પાલનપુરથી ચઢી શકશે. આ યાત્રામાં હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને માતા વૈષ્ણોદેવીના દર્શન કરવામાં આવશે. આ સાથે 23 જૂને દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા માટેની ટ્રેન સાબરમતીથી વડોદરા થઈને રવાના થશે. જેમાં તિરુપતિ, રામેશ્વરમ, મદુરાઈ અને કન્યાકુમારીની મુલાકાત લેવામાં આવશે. આ ટ્રેનના મુસાફરો નડિયાદ, આણંદ, વડોદરા, સુરતથી બેસી શકશે. આ બે યાત્રાઓ માટેનું બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. તેમજ બંને ગૌરવ ટ્રેનોમાં 30 ટકા જેટલુ પણ બુકીંગ પણ થયા હોવાનું IRCTCના અધિકારીએ જણાવ્યું હતું. આ યાત્રામાં મુસાફરોને ટિકીટ, ભોજન, ટ્રાન્સપોર્ટ, સિક્યોરીટી સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આગામી સમયમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મળીને પાંચ જ્યોતિલિંગના દર્શન કરાવતી ટ્રેન અને વારાણસી. અયોધ્યા, પ્રયાગરાજ સંગમની મુલાકાત કરાવતી ટ્રેન પણ સપ્ટેમ્બર સુધી શરૂ કરાવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે.