- 48 કલાકમાં વાવાઝોડુ વધુ તીવ્ર બને તેવી શક્યતા
- વાવાઝોડુ ગોવાથી 870 કિમી અને મુંબઈથી 930 કિમી દૂર
- બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પશ્ચિમ તરફ વધી રહ્યુ છે આગળ
ગુજરાતની દરિયાઈ સીમા પર બિપોરજોયનો ખતરો છે. જેમાં 48 કલાકમાં વાવાઝોડુ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. તેમજ વાવાઝોડુ ગોવાથી 870 કિમી અને મુંબઈથી 930 કિમી દૂર છે. બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે.
વાવાઝોડાની સંભાવનાને લઈ ગુજરાતનું તંત્ર સાબદું
વાવાઝોડાની સંભાવનાને લઈ ગુજરાતનું તંત્ર સાબદું થયુ છે. ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તથા NDRF ટીમને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ગાંધીનગરમાં કંટ્રોલરુમ પણ શરુ કરવામાં આવ્યો છે. તથા દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની સંભાવના છે. આ વર્ષે અરબી સમુદ્રમાં પ્રથમ ચક્રવાતી તોફાન બિપોરજોય ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થયું છે.
કેરળમાં ચોમાસાની “ધીમી” શરૂઆત
હવામાનશાસ્ત્રીઓએ કેરળમાં ચોમાસાની “ધીમી” શરૂઆત અને તેના દક્ષિણી દ્વીપકલ્પ આગળ “નબળી” પ્રગતિની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે કેરળમાં આજે અથવા કાલે ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ છે. જોકે ચક્રવાતી તોફાન ચોમાસાની તીવ્રતાને અસર કરી રહ્યું છે અને કેરળ પર તેની શરૂઆત ‘ધીમી’ થશે.
તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે ઉત્તર તરફ આગળ વધીને ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. આ પછી, તે આગામી ત્રણ દિવસમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જોકે, IMD એ હજુ સુધી ભારત, ઓમાન, ઈરાન અને પાકિસ્તાન સહિત અરબી સમુદ્રની સરહદે આવેલા દેશો પર કોઈ મોટી અસરની આગાહી કરી નથી.