- ગરમીને લગતી બીમારીના 27 દિવસમાં 20 હજારથી વધુ કોલ્સ
- રાજ્યમાં છેલ્લા 27 દિવસમાં ઝાડા-ઊલટીને લગતાં 4,162 કેસ
- વરસાદ-કરા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
ગુજરાતમાં ગરમીને લગતી વિવિધ બીમારીના મે મહિનાના 27 દિવસમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને 20,023 કોલ્સ મળ્યા છે, આમ રોજના સરેરાશ 742 જેટલો કોલ્સ આવ્યા છે, સૌથી વધુ પેટમાં દુખાવાની તકલીફને લગતાં 7,208 કોલ્સ મળ્યા છે, આ ઉપરાંત બેભાન થવું કે ચક્કર ખાઈને પડી જવાના 5069 કોલ્સ મળ્યા છે. આમ રોજના 187થી 188 લોકો ચક્કર ખાઈને પડયા છે. રવિવારે સાંજે વરસાદ-કરા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
108 ઈમરજન્સી સર્વિસ સાથે સંકળાયેલા અધિકારી વિકાસ વિહાનીએ જણાવ્યું હતું કે, પહેલી મે થી 27મી મે સુધી ગરમીને લગતી વિવિધ બીમારીના 20 હજારથી વધુ કોલ્સ મળ્યા છે. ઈમરજન્સી સર્વિસના ડેટા પ્રમાણે મે મહિનાના 27 દિવસના અરસામાં ગુજરાતમાં પેટમાં દુખાવાની સાથે ઝાડા અને ઉલટીને લગતાં 4162 કોલ્સ મળ્યા છે. હિટ સ્ટ્રોકના 64 કોલ્સ, હાઈ ફિવરના 3167, ગંભીર રીતે માથાના દુખાવાની તકલીફના 353, મૂર્છિત થવાના અને ચક્કર ખાઈને પડી જવાના 5069 એમ કુલ 20,023 કોલ્સ મળ્યા છે. 21મી મે એ ગુજરાતમાં બેભાન થવાના 204 કોલ્સ આવ્યા હતા, એ પછી આવા કેસ ઘટયા છે, 22મી મે એ 182, 23મીએ 170, 24મીએ 191, 25મીએ 174, 26મીએ 157 અને 27મી મે ના રોજ 165 કેસ નોંધાયા છે. એકંદરે ગરમીને લગતી બીમારીમાં રોજના 700 જેટલા કોલ્સ આવી રહ્યા છે.
ગુજરાતમાં હિટ સ્ટ્રોકના 64 કોલ્સમાંથી અમદાવાદ શહેરમાં 16 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં પહેલીથી 27મી મે સુધી વિવિધ બીમારીનો કુલ 5,164 કોલ્સ નોંધાયા છે. અમદાવાદમાં ચક્કર ખાઈને પડી જવાના મે મહિનામાં 1333 કેસ નોંધાયા છે એટલે કે રોજના 49થી 50 લોકો ચક્કર ખાઈને પડી રહ્યા છે. ઝાડા ઉલટીને લગતાં શહેરમાં 986, પેટમાં દુખાવાને લગતી તકલીફના 2080, હાઈ ફિવરના 648, ગંભીર રીતે માથાના દુખાવાની તકલીફના 101 કેસ નોંધાયા છે.